અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલા કેસમાં સજા ભોગવી રહેલા તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.
તહવ્વુર રાણાએ ઘણા કાનૂની રસ્તા અજમાવી જોયા, પરંતુ હવે તેનું ભારતને પ્રત્યાર્પણ નક્કી માનવામાં આવે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલા કેસના દોષિત તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવા મંજૂરી આપી છે.
તહવ્વુર રાણા ભારતને ન સોંપાય તે માટેની રિવ્યૂ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
રાણા મૂળ પાકિસ્તાની છે, પરંતુ તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ છે. ભારત સરકારે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાને વિનંતી કરી હતી.
2008ના મુંબઈ હુમલાના કેસમાં વોન્ટેડ હોવાથી ભારતે તેના પ્રત્યાર્પણની માંગણી કરી હતી.
અગાઉ રાણાની સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટ ઑફ અપીલ સહિત અનેક ફેડરલ કોર્ટમાં થયેલી કાનૂની લડાઈમાં હાર થઈ હતી.
એએનઆઈના રિપૉર્ટ પ્રમાણે 7 જાન્યુઆરી 2013ના રોજ અમેરિકાની એક અદાલતે રાણાને 168 મહિનાની જેલની સજા કરી હતી.
જૂન 2010માં કૅલિફોર્નિયાના મૅજિસ્ટ્રેટે ભારતની પ્રત્યાર્પણ અરજીને ધ્યાનમાં રાખીને રાણાના કામચલાઉ અરેસ્ટ વૉરન્ટ પર સહી કરી હતી.
તહવ્વુર રાણા તેના મિત્ર ડેવિડ હેડલી સાથે મુંબઈ હુમલાને અંજામ આપવા અને ડેનમાર્કમાં હુમલાની યોજના બનાવવાના આરોપમાં દોષિત ઠર્યા હતા.
અમેરિકન કોર્ટે રાણાને 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી. રાણાને ક્યારે પ્રત્યાર્પણ દ્વારા ભારતને સોંપાશે તે નક્કી નથી.