Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 25 January 2025

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર અને ગ્રાન્ટ મળે? ખરેખર તેમણે શું કામ કરવાનાં હોય છે?

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર અને ગ્રાન્ટ મળે? ખરેખર તેમણે શું કામ કરવાનાં હોય છે?
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે 66 નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતો સહિત જૂનાગઢ મહાનગરપાલિકાનાં કુલ 696 વૉર્ડ અને 4,390 બેઠકો પર 16 ફેબ્રુઆરીએ મતદાન યોજવાની જાહેરાત કરી હતી.

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓનો યોજાવાને કારણે રાજકીય મુદ્દાની ચર્ચા સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને હોદ્દેદારોએ કરવાનાં કાર્યો અને તેમને વળતર સ્વરૂપે મળતાં વેતન-ભથ્થાં અંગે વ્યાપક કુતૂહલ જોવા મળી રહ્યું છે.

ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં જિલ્લા-તાલુકા પંચાયત સંબંધે વિગતવાર જોગવાઈઓ કરાયેલી છે.

અધિનિયમની કલમ 65ની પેટાકલમ (1) પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખને ઠરાવવામાં આવેલ માનદ વેતન આપવાની જોગવાઈ કરાઈ છે.

આ સંદર્ભે ગુજરાત પંચાયત (અધિકારીઓને માનદ વેતન) (સુધારા) નિયમો, 2024માં સ્પષ્ટ જોગવાઈ કરી છે. જે પ્રમાણે અગાઉ જે-તે તાલુકા પંચાયતના પ્રમુખને અપાતા પ્રતિ માસ 2,250 રૂપિયાના માનદ વેતનમાં વધારો કરીને આ રકમ 10,000 રૂ. પ્રતિ માસ કરી દેવાઈ હતી.

આવી જ રીતે અધિનિયમની કલમ 79(1)માં સુધારો કરીને જિલ્લા પંચાયતના પ્રમુખને મળતું માનદ વેતન વધારીને પ્રતિ માસ 15,000 રૂ. કરી દેવાયું હતું. અગાઉ જે-તે જિલ્લા પંચાયતના પ્રમુખને 3,750 રૂ.ના માનદ વેતનની ચુકવણી કરાતી હતી.

જિલ્લા-તાલુકાપ્રમુખ ઉપરાંત અધિનિયમમાં જિલ્લા-તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમતિના અધ્યક્ષ માનદ વેતન આપવાની જોગવાઈ છે.

ગુજરાત પંચાયત (અધિકારીઓને માનદ વેતન) (સુધારા) નિયમ, 2024માં કરાયેલા સુધારા અનુસાર ઉપરોક્ત તાલુકા અને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને મળતા માનદ વેતનમાં વધારો કરીને અનુક્રમે પ્રતિ માસ 7,500 રૂ. અને 10,000 રૂ. કરવાની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષને પ્રતિ માસ 10,000 રૂ. માનદ વેતન તરીકે ચૂકવવાની જોગવાઈ કરાઈ છે.

જોકે, આ અધિનિયમમાં ઉપરની યાદીમાં સામેલ ન હોય એવા જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોને માનદ વેતન ચૂકવવાની કોઈ જોગવાઈ નથી.

અલબત્ત અધિનિયમમાં કરાયેલ જોગવાઈ પ્રમાણે પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ ઉપરાંત સભ્યો પણ સરકારી કામકાજ માટે કરેલ પ્રવાસ માટે ઠરાવેલ મુસાફરી ભથ્થું મેળવવાના હકદાર રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી, વી. એચ. મકવાણા ઉપરની જોગવાઈ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, "પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોને બસભાડા જેટલી રકમ મુસાફરી ભથ્થા પેટે ચૂકવવામાં આવે છે."
ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને આપવામાં આવેલી જવાબદારીઓ થકી સ્થાનિક વહીવટ ચાલે છે.

જેમાં ગ્રામ પંચાયતના ખાતે ઘર વપરાશ અને પાલતુ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, સરકારી સંપત્તિઓની સંભાળ, ગામમાં લાઇટની વ્યવસ્થા, ગ્રામીણ વિકાસ માટેની યોજના બનાવવી, ગામમાં પ્રાથમિક શિક્ષણના પ્રસાર જેવી જવાબદારીઓ આવેલી છે.

જ્યારે તાલુકા પંચાયતને આરોગ્ય, સાફસફાઈ, રોગચાળો ફેલાતો અટાકવવાની, ગામના રસ્તાઓના નિર્માણ, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેનું સંચાલન વગેરેની જવાબદારીઓ આપવામાં આવેલી છે.

જિલ્લા પંચાયતોને તાલુકા અને ગ્રામ પંચાયતોના કામકાજનું નિરીક્ષણ-નિયંત્રણ તથા તેમની મદદ પૂરી પાડવાની જવાબદારી અપાયેલી છે.

જિલ્લામાં આરોગ્યની સુવિધા શિક્ષણ સામાજિક સુરક્ષા ખેતીવાડી મહિલા-બાળકલ્યાણ સિંચાઈબાંધકામ

તેઓ કહે છે કે આ તમામ કામ કરવા માટે જિલ્લા કક્ષાએ જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવે છે. જેની ઉપર કારોબારી સમિતિ હોય છે.

આ સિવાય તેઓ તાલુકા પંચાયતનાં કામ ગણાવતાં કહે છે કે, "જે તે તાલુકામાં તાલુકા પંચાયતે ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનું, જેમ કે, રોડ-રસ્તા, લાઇટ, પાણીની સુવિધા કરવાનાં કામ કરવાનાં હોય છે."

"આ ઉપરાંત ગ્રામપંચાયતની દેખરેખ, કરવેરાની વસૂલાતનું મૉનિટરિંગ, રેવન્યૂ વસૂલાત અને તેનું સુપરવિઝન, કુદરતી આપત્તિ સમયે રાહત-બચાવની કામગીરી, સરકારની ગ્રામ્ય વિસ્તારની તમામ યોજનાઓનું અમલીકરણ અને મૉનિટરિંગ વગેરેનાં કામ પણ તાલુકા પંચાયતે કરવાનાં હોય છે."

જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ કરવાનાં કામ અંગે સ્પષ્ટતા કરતાં મકવાણાએ કહ્યું હતું કે, "જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો જિલ્લા-તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારમાં કામ કરાવવા માટે રજૂઆત કરી શકે છે, પરંતુ એ મંજૂર કરવાની વાત જે-તે અધિકારીના વિવેકાધીન છે."

જિલ્લા-તાલુકા પંચાયતને મળતી ગ્રાન્ટ અંગે વાત કરતાં નિવૃત્ત અધિકારી મકવાણા કહે છે કે, "જિલ્લા-તાલુકા પંચાયતને મુખ્યત્વે બે પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે. એક જિલ્લા-તાલુકા પંચાયત જાતે પોતાની આવકનાં સાધનોમાંથી ઊભા કરેલા ભંડોળમાંથી બજેટ બનાવી ફાળવાતી ગ્રાન્ટ અને બીજી જુદી-જુદી સરકારી ગ્રાન્ટો, જેમાં નાણાપંચ અને સરકાર તરફથી મળેલી અન્ય ગ્રાન્ટો સમાવિષ્ટ છે."

તેઓ જણાવે છે કે જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોને ધારાસભ્ય અને સાંસદની માફક સીધી કોઈ ગ્રાન્ટ મળતી નથી. જોકે, તેઓ પોતાના વિસ્તારનાં કામો માટે સંબંધિત સત્તાધીશને રજૂઆત જરૂર કરી શકે છે.