વ્હાઇટ હાઉસમાં પોતાનો બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી માલ પર કડક વેરાઓ(ટેરિફ) લાદવાની ધમકી આપી રહ્યા છે.
તેમણે ચીમકી આપી છે કે જ્યાં સુધી કૅનેડા અને મૅક્સિકોની સરકારો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ અને ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને યુએસમાં પ્રવેશવાથી રોકશે નહીં, ત્યાં સુધી તેઓ આ બંને દેશોમાંથી આવતા માલ પર 25% ટૅક્સ લાદશે.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 10% અને EUમાંથી આવતી વસ્તુઓ પર પણ ટેરિફ લાદશે.
ચીન, મૅક્સિકો અને કૅનેડા અમેરિકા સાથે વેપાર કરતા ત્રણ ટોચના દેશો છે. આ વધુ ટેરિફ લાદવાનો નિર્ણય તેમના અર્થતંત્રને ફટકો પાડી શકે છે. આ ઉપરાંત યુએસના ગ્રાહકો માટે કિંમતોમાં પણ વધારો કરી શકે છે.
ટેરિફ એ આયાતી માલ પરના વેરાઓ અથવા કર કે જકાત છે.
તે માલની આયાત કરતી કંપનીઓ પાસેથી વસૂલવામાં આવે છે નિકાસકાર પાસે નહીં. તે મોટાભાગે આયાતના મૂલ્યના પ્રમાણમાં જ લેવાય છે.
ઉદાહરણ જોઇએ. જો કોઈ કંપની કાર આયાત કરી રહી છે જેની કિંમત $50,000 છે અને તેના પર 25% ટેરિફ લાગુ પડે છે. તો તેણે દરેક કાર પર $12,500 ચાર્જ સરકારને ચૂકવવો પડશે.
આ ટેરિફનો આર્થિક બોજ છેલ્લે કોના પર પડશે તે વધુ જટિલ પ્રશ્ન છે.
જો યુએસ આયાતકાર કંપની ટેરિફનો બોજ યુએસમાં તેમનાં ઉત્પાદનો ખરીદનાર ગ્રાહકને વસ્તુ ઊંચી કિંમતે આપીને વસુલે તો તેનો આર્થિક બોજ યુએસના નાગરિકો પર જ પડશે.