કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરીને યોગી સરકારના વખાણ કર્યા હતા. ત્યારબાદ તેઓ મહા શિવરાત્રિના અવસર પર સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગ કેન્દ્ર પણ ગયા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બધા બાદ એવી અટકળો શરુ થઇ હતી કે ડીકે શિવકુમાર પણ ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં આ મામલે તેમણે સ્પષ્ટતા કરી છે કે હું જન્મથી જ કોંગ્રેસી છું.
હું અમિત શાહને મળ્યો પણ નથી: ડી.કે. શિવકુમારે
મીડિયા સાથે વાત કરતા ડી.કે. શિવકુમારે કહ્યું, 'ઈશા ફાઉન્ડેશનની મુલાકાત લેવા બદલ મારી ટીકા થઈ ચૂકી છે. પરંતુ મને સદગુરુએ આમંત્રણ આપ્યું હતું, તેથી હું અહીં આવ્યો છું. હું જન્મથી હિન્દુ છું, જે તમામ ધર્મોને ચાહે છે. આનો અર્થ એ નથી કે હું ભાજપની નજીક આવી રહ્યો છું, પરંતુ હું અમિત શાહને મળ્યો પણ નથી.'
ભાજપના આક્ષેપોને ગંભીરતાથી લેતા નથી: ડી.કે
ડેપ્યુટી સીએમએ કહ્યું કે, 'મેં મીડિયા અને સોશિયલ મીડિયામાં જોયું છે અને મારા મિત્રો પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે શું હું ભાજપની નજીક આવી રહ્યો છું, પરંતુ એવું નથી. હું જન્મથી કોંગ્રેસી છું. મને મહાકુંભમાં શ્રદ્ધા છે અને હું તમામ ધર્મોનું સન્માન કરું છું. હું ભાજપના આરોપોને ગંભીરતાથી લેતો નથી.'
મહાકુંભની વ્યવસ્થા માટે સીએમ યોગીની પ્રશંસા કરી
મહાકુંભ મેળામાં પોતાના અનુભવ વિશે વાત કરતા, ડી.કે. શિવકુમારે કહ્યું, 'તે અદ્ભુત હતું. આટલી મોટી ભીડને સંભાળવી એ સરળ કાર્ય નથી. કેટલીક નાની અસુવિધાઓ હશે, પરંતુ હું અહીં ખામીઓ શોધવા નથી. પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે સારી વ્યવસ્થા કરી છે. આસ્થાની દ્રષ્ટિએ, તે ભગવાન સાથે ભક્તના સંબંધ વિશે છે, કેટલાક લોકો સીધા જોડાય છે, જ્યારે અન્ય લોકો પૂજારી દ્વારા જોડાય છે.'