મહાકુંભમાં કોઇ ધર્માંતરણ નથી થતું, હું અનેક વખત ગયો છું, નેતા બનવા વિવાદ ના જગાવો ઃ હજ કમિટી પ્રમુખ
લખનઉ: ઉત્તર પ્રદેશમાં મહાકુંભની તૈયારી વચ્ચે ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાત પ્રમુખ મૌલાના શાહબુદ્દીન બરેલવીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. અને એવો દાવો કર્યો છે કે કુંભ મેળામાં મોટા પાયે મુસ્લિમોનું ધર્માંતરણ કરવામાં આવી શકે છે. જેને અટકાવવા માટે યોગ્ય પગલા લેવામાં આવે. અગાઉ બરેલવીએ મુસ્લિમોને મહાકુંભમાં સામેલ ના થવા વિનંતી કરી હતી.
પીટીઆઇ સાથેની વાતચીતમાં બરેલવીએ કહ્યું હતું કે કુંભના કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમોનું ધર્માંતરણ કરવાનું આયોજન હોવાની માહિતી મને મળી છે. એક જવાબદાર નાગરિક તરીકે મે આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાણ કરી છે. તેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી તે હવે રાજ્યની જવાબદારી છે. અગાઉ બરેલવીએ મુસ્લિમોને કુંભ મેળામાં ના જવાની સલાહ આપી હતી. આ અંગે સ્પષ્ટતા કરતા હવે તેમણે અલગ અભિપ્રાય આપ્યો છે. અને કહ્યું છે કે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અખાડા પરિષદે બેઠક યોજી હતી અને કુંભમાં મુસ્લિમોને દુકાન ખોલવાની છૂટ ના આપવાની માગણી કરી હતી. જેને પગલે મે મુસ્લિમોને કુંભમાં ના જવાની સલાહ આપી હતી. જ્યારે ઉત્તર પ્રદેશ હજ કમિટીના ચેરમેન મોહસીન રઝાએ મૌલાના બરેલવીની ટિકા કરી હતી, તેમણે કહ્યું હતું કે સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે કેટલાક લોકો માત્ર વિવાદો ઉભા કરીને નેતા બનવા માગે છે. આ પ્રકારના લોકો તમામ જગ્યાએ જોવા મળશે. હું અનેક વખત કુંભમાં સામેલ થઇ ચુક્યો છું, ત્યાં અનેક મુસ્લિમો પણ જાય છે. સમગ્ર આયોજનમાં પણ મુસ્લિમો ભાગ લે છે. તેથી મુસ્લિમોને કુંભથી દૂર રાખવાની માગણી કરવી સનાતની સંસ્કાર નથી.
આપણી સંસ્કૃતિ ભાઇચારો અને એકતા માટે જાણીતી છે. તેથી મુસ્લિમો પર કુંભમાં પ્રતિબંધ મુકવો કોઇ વ્યક્તિગત વિચાર હોઇ શકે છે. જે પણ લોકોએ મુખ્યમંત્રીને ધર્માંતરણ અંગે પત્ર લખ્યો છે તેઓ ખુદ ધર્માંતરણ કરાવવામાં સામેલ થઇ ચુક્યા છે.