Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 3 January 2025

અધિકારી હોય તો આવા.. વેશપલટો કરીને 'સ્ટીંગ ઓપરેશન' કર્યું, નિયમો વિરુદ્ધ થતી હતી કામગીરી

અધિકારી હોય તો આવા.. વેશપલટો કરીને 'સ્ટીંગ ઓપરેશન' કર્યું, નિયમો વિરુદ્ધ થતી હતી કામગીરી
સરકારી કામ અને એક ધક્કામાં પૂરું થાય એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો હશે જ્યાં સરકારી કચેરીઓમાં થતી હેરાનગતિનો પર્દાફાશ કરવા માટે સરકારી અધિકારીએ જ વેશ પલટો કરીને 'સ્ટીંગ ઓપરેશન' કરી સમગ્ર હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચોતરફ આ અધિકારીની પ્રશંસા થઈ રહી છે.
ધોતિયું અને માથે ટોપી પહેરી પહોંચ્યા અધિકારી
પંચમહાલના ગોધરામાં જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણા પોતે અરજદાર બનીને સેવા સદનની કચેરીમાં પહોંચ્યા હતા. તેમણે ધોતિયું અને માથે ટોપી પહેરી હતી જેથી એક નજરે કોઈપણ ઓળખી ન શકે કે આ કોઈ અધિકારી હશે. સેવા સદનમાં તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયામાં થતી હોવા છતાં સોગંદનામું, બૅંક ચલણ સહિત માટે રૂપિયા 300નો ખર્ચ અરજદારને કરવો પડે છે.  
અરજદારો પર આર્થિક બોજો

સરકારી નિયમ અનુસાર રેશન કાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિશુલ્ક સ્વ ઘોષણા પત્ર લેવામાં આવે છે, છતાં અરજદાર પાસેથી ખોટી રીતે રૂ. 250નો એફિડેવિટ ખર્ચ કરાવવામાં આવે છે. જેથી અરજદારો ઉપર વધારાના ખોટા ખર્ચનો આર્થિક બોજો પડતો હતો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે.
બડે બાબુએ શો કોઝ નોટિસ પાઠવી

સમગ્ર તપાસમાં સામે આવ્યું હતું કે જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી થતી હતી. અરજદારો પર ખોટી રીતે આર્થિક બોજો નાખીને પરેશાન કરવામાં આવતાં હતા. સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને શો કોઝ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. વેશ પલટો કરીને પહોંચેલા બડે બાબુની હકીકત સામે આવતા ભર શિયાળામાં અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો. તો બીજી તરફ અરજદારો અને સામાન્ય જનતા અધિકારીના આ પગલાંની વાહ-વાહ કરી રહ્યા છે.