વેવાઈ અને વેવાણ ના પ્રેમસંબંધનો અંત હત્યા થી આવ્યો. વીરમગામમાં ત્રણ લોકો દ્વારા લાકડી અને પાઇપ ના અસંખ્ય ઘા મારી શિક્ષક વેવાઈ ની હત્યા કરી આરોપી ફરાર થયા. પોલીસે ફરિયાદ નોંધ ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી.
સીસીટીવીમાં દેખાય છે કે એક કાર આવીને ઉભી રહે છે અને તેને જોઈને એક્ટિવા પર સવાર એક વ્યક્તિ ભાગવા પ્રયાસ કરે છે પણ આ કારમાં સવાર ત્રણ વ્યક્તિ તેને પકડીને જમીન પર પાડી એક બાદ એક અસંખ્ય લાકડી અને પાઇપના ઘા મારી હત્યા નિપજાવી દે છે અને આરોપીઓ ફરી કારમાં બેસીને ફરાર થઈ જાય છે. વિરમગામની બજારમાં જ્યા કે બી શાહ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ ચાવડાની હત્યા 27મી જાન્યુઆરીના સવારે 7 વાગે કરવામાં આવી હતી. આ બનાવ બનતાની સાથે જ વીરમગામ પોલીસે ત્રણ હત્યારા સામે ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા માટે પ્રયાસ અમદાવાદ જિલ્લા પોલીસે શરૂ કર્યો છે.
આ હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યા ક્યા ક્યા કારણોસર કરવામાં આવી તેની વાત કરીએ તો આરોપી પક્ષ અને મૃતક પક્ષ બંને એક જ સમાજના છે અને દોઢ વર્ષ પહેલા મૃતક નરેશ ચાવડાની દીકરીની સગાઈ આરોપી કલા ગોહિલના દીકરા સાથે કરવામાં આવી હતી. સગાઈના થોડા દિવસો બાદ જ વેવાઈ નરેશ ચાવડા સાથે વેવાણ હર્ષા ગોહિલ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને છેલ્લાં આઠ માસથી બંને મૈત્રી કારાર કરીને વિરમગામમાં જ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. આ વાત જ હર્ષા ગોહિલના પતિ કલા ગોહિલને પસંદ ન હતી. જેને લઇને મૃતક નરેશ ચાવડા અને આરોપી કલા ગોહિલ વચ્ચે ઝગડા પણ થયા હતા, તેમ છતાં બંને લીવ-ઇનમાં રહેતા જ હતા. આ વાતની અદાવત રાખીને આરોપી કલા ગોહિલે હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું અને હત્યા કરવા માટે કારસો પણ ઘડી નાખ્યો હતો.
મુખ્ય આરોપી કલા ગોહિલે હત્યા કરવા માટેથી પોતાના ધંધાના ભાગીદાર અને અન્ય એક મિત્રની મદદ લીધી હતી. જેમાં ભાગીદાર જયસંગ કટારીયા અને મિત્ર અજીત ગોહીલની મદદ લઈને ગઈ તારીખ 27મીની સવારે સાત વાગે જ્યારે મૃતક નરેશ ચાવડા પોતાના ઘરેથી નીકળ્યા હતા, ત્યારે તેનો પીછો કરી તેને રોડ વચ્ચે ઊભા રાખી અસંખ્ય લાકડી અને પાઇપના ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવીને આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને પોલીસનો દાવો છે કે નજીકના સમયમાં જ આરોપીઓ પોલીસ ની ગીરફ્તમાં આવી જશે અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં આવશે.