હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ અને પાકિસ્તાન સાથેના તેના નૌસૈનિક ગઠબંધનથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઉભું થયું છે. શશિ થરૂરની અધ્યક્ષતાવાળી સંસદની વિદેશી બાબતોની સમિતિએ 'ઇવલ્યુએશન ઓફ ઇન્ડિયાઝ ઇન્ડિયન ઓશન સ્ટ્રેટેજી' અહેવાલમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી નેવીની વિશ્વની સૌથી મોટી નૌસેના બનવાની અને પાકિસ્તાનની નૌસેનાના આધુનિકીકરણની ચિંતા વ્યક્ત કરી છે.
ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ અને 'સ્ટ્રિંગ ઓફ પર્લ્સ' વ્યૂહરચના દ્વારા બંદરો, હવાઈમથકો અને સર્વેક્ષણ જહાજો વડે સંવેદનશીલ ડેટા એકત્ર કરવાની ગુપ્ત ગતિવિધિઓ ભારત માટે પડકારરૂપ છે. સમિતિએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધજહાજો, સર્વેલન્સ વિમાનો, પરમાણુ સબમરીનો અને ક્વૉડ દેશો સાથે સંયુક્ત અભ્યાસ દ્વારા નૌસેનાને મજબૂત કરવાનું સૂચન કર્યું છે. ગયા અઠવાડિયે ફિલિપાઈન્સ સાથે દક્ષિણ ચીન સાગરમાં થયેલો સંયુક્ત અભ્યાસ આ દિશામાં એક પગલું છે.
ભારતે MAHASAGAR યોજના દ્વારા આફ્રિકા અને ગ્લોબલ સાઉથ સાથે નૌકાદળની સહયોગિતા વધારી, ચીનના પ્રભાવને રોકવા માટે વ્યૂહાત્મક પગલાં લેવા જોઈએ. આ માટે સેટેલાઈટ-આધારિત સર્વેલન્સ અને AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી, ચીન-પાકિસ્તાનની નૌસૈનિક હિલચાલ પર નજર રાખવી જરૂરી છે.