જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ રાજીનામુ આપી દેતા વિધાનસભાની ચૂંટણી માથે હોવા છતાં રાજકોટ પંથકમાં કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેનો વિવાદ શમ્યો ન હોવાના પૂરાવારૂપ આ રાજીનામું લેવાયુ હોવાની ચર્ચા જાગી છે.
જસદણ તાલુકા ભાજપના પ્રમુખ વલ્લભ રામાણીએ રાજીનામું ધરી દેતા ભાજપમાં આંતરિક ડખ્ખો ખુલ્લીને બહાર આવ્યો છે. બીજી તરફ ભાજપમાં ભડાકાને લઇને જિલ્લાનું સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ રાજીનામાં બાદ સંગઠન માળખામાં વધુ પણ રાજીનામાં પડે તેવી શકતા સેવાઇ રહી છે.
કુંવરજી બાવળીયા- ભરત બોઘરા લડાઈમાં રાજીનામુ આપ્યાની ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ આંગણે ટકોરો માર્યો છે. જેને લઇને ભાજપ-કોંગ્રસ તથા આપ દ્વારા ચૂટંણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી કાર્યવાહી તેજ કરવામા આવી છે. આવા ખરા ટાણે જ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં આવતા જસદણ ભાજપમાં વિખવાદ સર્જાયો છે.જેને પગલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ હોદા પરથી રાજીનામુ ધરી દીધું છે. મહત્વનું છે કે, કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચેની અંદરોઅંદરની લડાઈને લઇને જસદણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. તેવામાં ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીનું પણ આ લડાઈના લીધે રાજીનામુ લેવાયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
કામની વ્યસ્તતાને કારણે રાજીનામું ધર્યું : ભાજપ આગેવાનો
આ મામલે તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીએ પોતાના કામની વ્યસ્તતાને કારણે રાજીનામું ધર્યું હોવાના જસદણ ભાજપના આગેવાનોએ જૂના જવાબોની કેસેટ વગાડી હતી. એટલુ જ નહિ ભાજપ પ્રમુખપદ માટે બીજી ટર્મમાં કાર્યરત સિનિયર અને સક્રિય આગેવાન વલ્લભ રામાણીએ પ્રમુખનાં હોદા પરથી રાજીનામું આપી દેતા તેના રાજીનામાનો સ્વીકાર થયો હોવાનું પણ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાટરીએ જણાવ્યું હતું.