લગ્નની સીઝન શરૂ થતાં જ ચારેતરફ શરણાઈઓ વાગવા લાગી છે. આ શુભ મુહૂર્તમાં રાજસ્થાનમાં સિકરમાં રહેતા એક પરિવારે પોતાની દીકરીના લગ્ન નક્કી કર્યા હતા. જાન પણ આવી ગઈ અને ફેરા પણ થઈ ગયા હતા. પણ તેમ છતાં જ્યારે વિદાય પહેલા સાળીઓએ જૂતા ચોરવાની રસમમાં જીજાજી સાથે મસ્તી મજાક કરી તો વરરાજાનો પિત્તો ગયો. આ જોઈને દુલ્હન નારાજ થઈ ગઈ અને સાસરિયે જવાની ના પાડી દીધી.
12 નવેમ્બરના રોજ લાંબાની ઢાણીના રહેવાસી મંજૂ જાખડના લગ્ન ચલાના રહેવાસી વિક્રમ સાથે નક્કી થયા હતા. પણ લગ્ન બાદ વરરાજાએ દુલ્હનના પરિવારના સભ્યો સાથે તોછડાઈ કરવાની શરૂ કરી દીધી. જ્યારે તેનો વિરોધ કર્યો તો વરરાજાએ એક બુલેટ અને પાંચ લાખની ડિમાન્ડ કરી દીધી. બસ પછી તો શું, દુલ્હને તરત જ લગ્ન કરવાની ના પાડી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.
મંજૂએ વરરાજાનું વર્તન જોયા બાદ તેની સાથે જવાની ના પાડી દીધી. દુલ્હને પોલીસને જણાવ્યું કે, “વરરાજાના આવા વર્તનથી તેને માનસિક રીતે આઘાત લાગ્યો છે. તેણે પતિ અને સાસરિયાવાળા વિરુદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે.” ત્યાર બાદ પોલીસે આરોપી વરરાજા સાથે તેના પરિવારના લોકોની પણ ધરપકડ કરી છે.
કહેવાય છે કે, લગ્ન તો નિશ્ચિત સમયે થઈ ગયા હતા. ફેરા બાદ જ્યારે સાળીઓએ જીજાજીની મજાક કરી તો વરરાજાનો પિત્તો ગયો. તેણે દુલ્હનની બહેનોને ગાળો આપવા લાગ્યો. એટલું જ નહીં લગ્ન કરાવનારા પંડિતને પણ ખખડાવી નાખ્યા. પોતાના પરિવારનું આવું અપમાન જોઈને દુલ્હન પણ ગુસ્સે થઈ અને તેણે વરરાજા સાથે જવાની ના પાડી દીધી.