જો આપની પાસે પોતાની ટુ-વ્હીલર અથવા ફોર-વ્હીલર છે અને આપ ત્રિપુરામાં રહો છો તો આ સમાચાર આપના માટે ખૂબ જ કામના છે. હકીકતમાં જોઈએ તો, ત્રિપુરા સરકાર રાજ્યમાં રવિવાર 10 નવેમ્બરથી પેટ્રોલનું રાશનિંગ શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત ટુ-વ્હીલર વાહન માલિકોને દરરોજ 200 રૂપિયાનું પેટ્રોલ, જ્યારે થ્રી-વ્હીકલવાળાને 400 રૂપિયા અને ફોર-વ્હીલર વાહનોને 1000 રૂપિયાનું પેટ્રોલ જ મળશે.
ત્રિપુરાના ખાદ્ય અને પુરવઠા મંત્રી સુશાંત ચૌધરીએ શનિવારે આ જાણકારી આપતા જણાવ્યું કે પૂર્વોત્તર સીમા રેલવેના લુમડિંગ અને બદરપુર સેક્શનની વચ્ચે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે રાજ્યમાં ઈંધણની સપ્લાઈ પ્રભાવિત થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર વસ્તુઓની સમાન માત્રામાં વિતરણ વ્યવસ્થા અંતર્ગત 10 નવેમ્બરથી પેટ્રોલનું રાશનિંગ શરૂ કરશે.
મંત્રી સુશાંત ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરી રહ્યું કે, લુમડિંગ અને બદરપુરની વચ્ચે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે રાજ્યના ઈંધણ સ્ટોકમાં ભારે કમી આવી છે. એટલા માટે રાજ્ય સરકાર રવિવારથી ઈંધણ, ખાસ કરીને પેટ્રોલના વેચાણ પર પ્રતિબંધ લગાવશે.
આપને જણાવી દઈએ કે, લુમડિંગ અને બદરપુર સેક્શનની વચ્ચે 31 ઓક્ટોબરના રોજ ઈંધણ લઈ જઈ રહેલી માલગાડીના ટેન્કર પાટા પરથી ઉતરી ગયા હતા. આ જ કારણે લગભગ 5 કિમી પાટા ઉખડી ગયા છે. જેનાથી ત્રિપુરામાં સામાન્ય ઈંધણની સપ્લાઈ પ્રભાવિત થઈ છે.
ત્રિપુરાના ખાદ્ય અને પુરવઠા મંત્રીએ કહ્યું કે, તેમણે પૂર્વોત્તર સીમા રેલવેના જનરલ મેનેજર સાથે વાત કરી છે. જેમાં તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે 13 નવેમ્બર સુધી રેલવે ટ્રેક ચાલુ થઈ જશે. આ મામલામાં એનએફઆરના મુખ્ય જનસંપર્ક અધિકારી કે.કે. શર્માએ જણાવ્યું છે કે, માલગાડીના પાટા પરથી ઉતરી જવાના કારણે આંશિક રીતે સપ્લાઈ પ્રભાવિત થઈ છે.