તાજેતરમાં ગુજરાતમાં એક મહિલાને અર્ધનગ્ન અવસ્થામાં સાંકળ વડે બાંધીને મોટરસાઇકલ પાછળ બાંધીને લઈ જવાતાં હોય એવો વિચલિત કરી મૂકતો વીડિયો વાઇરલ થયો હતો.
આ ઘટના ગુજરાતના આદિવાસી બહુમતીવાળા જિલ્લા દાહોદના સંજેલી તાલુકાના એક ગામની હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક પોલીસે આ મામલામાં વાઇરલ વીડિયોને આધારે કાર્યવાહી કરી છે. જેમાં ચાર સગીરા સહિત 15 લોકોની ધરપકડ કરાઈ છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર ઘટનાનો વીડિયો સામે આવતાં પોલીસ સક્રિય થઈ હતી અને પીડિત મહિલાના ઘરે દરોડો પાડીને તેમને 'મુક્ત કરાવ્યાં' હતાં.
આ ઘટનામાં મહિલાનાં સાસરિયાં અને અન્ય સ્વજનોની જ આરોપી તરીકે ધરપકડ કરાઈ છે.
પોલીસના જણાવ્યાનુસાર 35 વર્ષીય આ મહિલા પર તેમનાં સાસરિયાંને 'લગ્નેત્તર સંબંધનો વહેમ' હતો.
નોંધનીય છે કે રાજ્યના આદિવાસી વિસ્તારોનાં ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ પર પોતાના જ ગામલોકો અને સ્વજનોએ 'અમાનુષી અત્યાચાર' કર્યાની ફરિયાદો અગાઉ પણ નોંધાઈ ચૂકી છે.
'લગ્નેત્તર સંબંધનો વહેમ રાખી મહિલા પર અત્યાચાર ગુજારાયો'
આ કેસની તપાસ કરી રહેલા દાહોદના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ કેસ અંગે વિગતવાર માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, "આ ઘટનાના વીડિયોને આધારે અમે તાત્કાલિક કૉમ્બિંગ કરી. મહિલાને તેના ઘરે જ સાંકળથી બાંધીને રાખવામાં આવ્યાં હતાં. અમારી ટીમે ઢાલસિમલિયા ગામે પહોંચી 29 જાન્યુઆરીની સવારે જ એને છોડાવ્યાં."
"અમે આ મામલામાં તાત્કાલિક મહિલાના સસરા, દિયર અને જેઠાણી સહિતના 12 લોકોની ધરપકડ કરી હતી. મહિલા આઘાતમાં હોવાને કારણે અમે તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. પીડિતાના કાઉન્સેલિંગ બાદ એણે આપેલી માહિતીના આધારે વધુ ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે."
એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા આ ઘટના અંગે માહિતી આપતાં આગળ કહે છે, "આ મહિલા પોતાના પતિ સાથે રાજકોટ મજૂરી કરવા ગયાં હતાં. એક વર્ષ પહેલાં રાજકોટમાં મહિલાના કથિત રીતે અન્ય પુરુષ સાથે સંબંધ હતા. તેથી તેના પતિએ તેના પ્રેમીનું ખૂન કરી નાખ્યું હતું. તેના પતિ હાલ રાજકોટની જેલમાં બંધ છે."
તેઓ આગળ કહે છે કે પતિ જેલમાં હોવાથી મહિલા પોતાના સાસરિયે પરત ફર્યાં, પરંતુ તેમનાં સાસરિયાંને પણ તેમના પર 'લગ્નેત્તર સંબંધ હોવાની' શંકા હતી.
"તપાસમાં ખબર પડી છે કે 28 જાન્યુઆરીના રોજ જ્યારે આ મહિલા એ જ ગામના એક પુરુષના ઘરે ગયાં હતાં, ત્યારે અચાનક ત્યાં તેનાં સાસરિયાંના લોકો પહોંચી ગયા હતા. તે બાદ તેમણે મહિલાને માર મારી અર્ધનગ્ન અવસ્થામાં ગામમાં ફેરવીને તેનો વીડિયો વાઇરલ કરી દીધો હતો."
એસપી ઝાલા આગળ વાત કરતાં કહે છે કે આ કેસ સંદર્ભે ચાર આરોપી સગીરાને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે, જ્યારે ચાર મહિલા આરોપી પોલીસ કસ્ટડીમાં છે.
બાકીના આરોપીઓ પૈકી એકને ટીબીની તકલીફ હોવાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
જાણકારો અનુસાર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચાર વર્ષ પછી આ રીતે લગ્નેતર સંબંધના આરોપને કારણે કોઈ સ્ત્રી પર અત્યાચાર થયાની ફરિયાદ સામે આવી છે.