ભારત અને પાકિસ્તાને બુધવારે 1 જાન્યુઆરીએ એકબીજા સાથે તેમના પરમાણુ સ્થાપનોની યાદી શેર કરી હતી. પરમાણુ સ્થાપન એક એવી જગ્યા છે જ્યાં પરમાણુ શસ્ત્રો રાખવામાં આવે છે. આ પરંપરા 1991થી એક કરાર હેઠળ ચાલી રહી છે. ભારત અને પાકિસ્તાને નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા યાદીની આપ-લે કરી હતી.
આ સાથે ભારત અને પાકિસ્તાને એકબીજાને કેદીઓ અને માછીમારોની માહિતી પણ આપી હતી. 2008માં હસ્તાક્ષર કરાયેલ કોન્સ્યુલર એક્સેસ પરના દ્વિપક્ષીય કરાર હેઠળ દર વર્ષે જાન્યુઆરી 1 અને જુલાઈ 1ના રોજ આ સૂચિઓ વહેંચવામાં આવે છે.
31 ડિસેમ્બર, 1988ના રોજ બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1 જાન્યુઆરીએ તેમના પરમાણુ સંસ્થાઓની યાદી એકબીજા સાથે શેર કરશે. બંને દેશ એકબીજાના પરમાણુ કેન્દ્રો પર હુમલો નહીં કરે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું.
આ કરાર 27 જાન્યુઆરી, 1991ના રોજ અમલમાં આવ્યો હતો. પહેલીવાર 1 જાન્યુઆરી, 1992ના રોજ બંને દેશોએ આ માહિતી શેર કરી હતી. ત્યારથી આ માહિતી દર વર્ષે 1 જાન્યુઆરીએ શેર કરવામાં આવે છે. આ 34મી વખત માહિતી શેર કરવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાન પાસે કેટલા પરમાણુ શસ્ત્રો? આ અંગે કોઈ સત્તાવાર ડેટા નથી, પરંતુ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડેટા દર્શાવે છે કે જૂન 2024 સુધીમાં ભારત પાસે 172 પરમાણુ હથિયારો હતા. આ મામલે પાકિસ્તાન લગભગ ભારતની બરાબરી છે. તેની પાસે 170 પરમાણુ હથિયારો છે.
ભારતે પાકિસ્તાનને 381 કેદીઓની યાદી સોંપી વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે પાકિસ્તાનને 381 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 81 માછીમારોની યાદી આપી છે. તે જ સમયે પાકિસ્તાને 49 ભારતીય નાગરિક કેદીઓ અને 217 માછીમારોની યાદી શેર કરી છે. ભારતે પાકિસ્તાન પાસે 183 ભારતીય કેદીઓ અને માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટ સહિત તેમને પરત મોકલવાની માગ કરી છે.
ઉપરાંત, ભારતે પાકિસ્તાનને 18 ભારતીય નાગરિકો અને માછીમારોને કોન્સ્યુલર એક્સેસ આપવા વિનંતી કરી છે, જેમને અત્યાર સુધી આ સુવિધા આપવામાં આવી નથી. આ સિવાય ભારતે પાકિસ્તાનમાં હાજર ભારતીય કેદીઓ અને માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.
નાગરિકતાની પુષ્ટિ ઝડપી બનાવવા જણાવ્યું હતું ભારતે પાકિસ્તાનને 76 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને માછીમારોની નાગરિકતાની ચકાસણીની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે. 2014થી અત્યાર સુધીમાં 2,639 ભારતીય માછીમારો અને 71 ભારતીય નાગરિક કેદીઓને પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 478 માછીમારો અને 13 નાગરિક કેદીઓને 2023થી મુક્ત કરવામાં આવ્યા છે.