ભાવનગર શહેરમાં લોન કૌભાંડમાં બેન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર સહિત 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ખોટા દસ્તાવેજોને આધારે લોન અપાવવાના આ કૌભાંડમાં ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
24 વ્યક્તિઓના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની લોન લઈ લીધી
આ લોન કૌભાંડમાં ઘોઘારોડ વિસ્તારમાં આવેલી BOB બેન્કના બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે બે વચેટિયા સાથે મળીને 24 વ્યક્તિઓના ખોટા દસ્તાવેજ બનાવી બેન્કના નિયમોને અવગણીને કરોડોની લોન લઈ ઉચાપત કરી હતી.
24 લોકોના ઘરે રિકવરી કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
લોન લીધા બાદ સરકારની સબસીડીનો લાભ મેળવી અને લોનની રકમ નહીં ભરી સરકાર અને બેંક સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે આ 24 લોકોના ઘરે રિકવરી કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ 24 લોકોએ BOBના બ્રાન્ચ મેનેજર, ક્રેડિટ ઓફિસર અને બે એજન્ટો મળી કુલ 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત BOBના રિજનલ હેડ દ્વારા પણ આ તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.