પાયલ ગોટી નામની યુવતીને આરોપી બનાવ્યાં પછી કથિતપણે તેમનું જાહેરમાં 'સરઘસ' કાઢવાનો વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો
તાજેતરમાં અમરેલીમાં પાયલ ગોટીના વિવાદ બાદ ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પર ખુદને પટ્ટા માર્યા હતા. મામલો રાજકીય બની ગયો હતો, આપ તથા કૉંગ્રેસ બંને પાર્ટીએ તેમાં પ્રશાસન અને પોલીસને ઘેરી હતી. વિવાદ હજી પણ યથાવત્ છે.
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પક્ષના બે નેતાઓ વચ્ચે થયેલા વિવાદમાં થયેલી પોલીસ ફરિયાદમાં પાયલ ગોટી નામની યુવતીને આરોપી બનાવ્યાં પછી કથિતપણે તેમનું જાહેરમાં 'સરઘસ' કાઢવાનો વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
જોકે, પોલીસે તો એ આરોપી યુવતીને જાહેરમાં ગુનાના સ્થળે લઈ જવાની બાબતને સરઘસ નહીં, પણ ઘટનાનું 'રિકન્સ્ટ્રક્શન' કરવાની કામગીરીનો ભાગ ગણાવ્યો હતો.
એ પછી મામલો સામાજિક અને રાજકીય રીતે ચર્ચાસ્પદ બન્યો હતો. જિલ્લા પોલીસવડાએ આ કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
હવે આ મામલાની તપાસ ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને નૅશનલ જૉઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા આ મામલે વધુ સક્રિય જોવા મળી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, "પોલીસે આ કિસ્સામાં ભૂલ નથી કરી પણ ગુનો કર્યો છે. કાયદો ભણેલા લોકો રાતે કોઈ મહિલાને લઈ જાય, સરઘસ કાઢે એ કાંઈ ભૂલ થોડી છે, એ તો ગુનો છે. સૌથી પહેલા તો સર્વસમાજના લોકોએ જ આ ઘટનાને વખોડી હતી અને કહ્યું હતું કે આ ખોટું છે. તે પછી સરકાર પર દબાણ આવ્યું હતું."
પાટીદાર યુવતી મામલે 'રાજકારણ' થઈ રહ્યું છે?
ગયા મહિને જ ભરૂચમાં દશ વર્ષની એક બાળકી પર બળાત્કાર થયો હતો એ અગાઉ પણ બળાત્કાર તેમજ મહિલા અત્યાચારની ઘટનાઓ બની હતી. પાયલ ગોટી પાટીદાર યુવતી છે. તમે ખુદને પટ્ટા માર્યા તેને તમારી સંવેદના ઉપરાંત એક 'રાજકીય ગણતરી' તરીકે પણ જોવામાં આવે છે. તમારું શું કહેવું છે?
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, "આ વાત પાયાવિહોણી છે. અમે ભરૂચની બળાત્કારની ઘટનામાં પણ દીકરીના સમર્થનમાં હતા, બિલકીસબાનો ગૅંગરેપ વખતે પણ દીકરીના સમર્થનમાં જ હતા, અમરેલી વખતેય દીકરીના સમર્થનમાં જ છીએ. ભરૂચ-દહેજમાં કે સમગ્ર ગુજરાતમાં જે બળાત્કાર વગરે ઘટના બની કે મોરબી પુલ દુર્ઘટના હોય કે વડોદરામાં બોટ ઊંધી પડતા બાળકોના થયેલા અપમૃત્યુ હોય. અમે ન્યાય અપાવવા માટે સામાજિક, રાજકીય અને કાયદાકીય રીતે પ્રયાસ કર્યા પણ ન્યાય ન અપાવી શક્યા. ભાજપની સરકારે ન્યાય ન આપ્યો તેથી સમાજના સૂતેલા આત્માને ઢંઢોળવા મેં મને ખુદને પટ્ટા માર્યા હતા."
ડ્રગ્સની સામે અમે સુરતમાં મોટો કાર્યક્રમ આપ્યો હતો ત્યાં પણ પાટીદારવાળી કોઈ ઘટના નહોતી બની. તેથી કોઈ એક ઘટનામાં અમારો આત્મા જાગ્યો ને અમે ઠેકડા મારવા માંડ્યા એવું નથી. અમે તો દર વખતે અમારી પૂરતી ક્ષમતાથી લડીએ જ છીએ."
15 ઑગસ્ટ, 2022ના રોજ બિલકીસબાનો કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારની 'સજામાફી નીતિ' અંતર્ગત જેલમાંથી મુક્ત કરાયા હતા. તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હારતોરા કરવામાં આવ્યા હતા.
એ મામલે તેમણે કહ્યું હતું કે, "એ વખતે પણ અમે નિવેદન આપ્યાં જ હતાં. એ છતાંય કોઈ ભૂલી ગયું હોય તો ફરીથી કહી દઉં કે બળાત્કાર એ દુનિયાનો જઘન્ય અપરાધ છે. કોઈ પણ ધર્મ કે જાતિનો માણસ બળાત્કારી હોય તો આકરામાં આકરી સજા થવી જોઈએ અને ભોગ બનનારને ન્યાય મળવો જોઈએ. મેં અગાઉ પણ કહ્યું કે અમે ગાંધીઆશ્રમ સુધી જે રેલી કાઢી હતી તે અન્યાયનો ભોગ બનેલી દરેક દીકરીને ન્યાય મળે તે માટે કાઢી હતી."