સુપ્રીમ કોર્ટે આસારામને 2013ના રેપ કેસ મામલે વચગાળાના જામીન આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન આપ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ આસારામને 31મી માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા છે. કોર્ટે આસારામને નિર્દેશ આપ્યા છે કે જેલ બહાર આવ્યા બાદ તેઓ પુરાવાઓ સાથે છેડછાડ નહીં કરે. આ ઉપરાંત તેઓ પોતાના અનુયાયીઓને પણ નહીં મળી શકે.
સુરતનાં એક મહિલાએ 2013માં આસારામ અને અન્ય સાત લોકો સામે બળાત્કાર અને અવૈદ્યરૂપે બંધક બનાવવાના મામલે કેસ દાખલ કર્યો હતો.
અભિયુક્તોમાંથી એકનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે આ મામલે જુલાઈ, 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી.
અમદાવાદના ચાંદખેડા પોલીસસ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર આસારામે 2001થી 2006 દરમિયાન પીડિતા સાથે અમદાવાદના બહારના વિસ્તારમાં આવેલા આશ્રમમાં દુષ્કર્મ કર્યું હતું.