ભારતીયોનું દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ જવું, ત્યાંની નાગરિકતા લઈ લેવી, હવે કોઈ નવાઈની વાત નથી રહી. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયેલા ભારતીયો મોટી સંખ્યામાં તેમની ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. વર્ષ 2023માં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ હતી. કોરોના રોગચાળા દરમિયાન ભારતીયો દ્વારા ભારતની નાગરિકતાનો ત્યાગ કરવામાં ઘટાડો થયો હતો, પરંતુ એ પછી એમાં સતત વધારો થતો રહ્યો છે. ભારતીયોમાં દેશ છોડવાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે, તેના કારણોમાં આજે ઊંડા ઉતરીએ.
શા માટે ભારતીયો તેમની નાગરિકતા છોડી રહ્યા છે?
ભારતીયોની નાગરિકતા છોડવાના ઘણાં કારણો છે. આમાં વિદેશમાં સારો પગાર અને કામનું સારું વાતાવરણ, ભારતની સરખામણીમાં વિદેશમાં શિક્ષણનું ઉચ્ચ સ્તર અને વિદેશમાં રોકાણના વધુ સારા વિકલ્પ જેવા ઘણા કારણોનો સમાવેશ થાય છે. ઉપરાંત, ભારતની સિંગલ નાગરિકતાની જોગવાઈ અને બેવડી નાગરિકતાની ગેરહાજરી પણ એક મોટું કારણ છે.
આ દેશો છે ભારતીયોની પહેલી પસંદ
ભારતીયો ભારતની નાગરિકતા છોડીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, પેરુ, નાઈજીરિયા, ઝામ્બિયા જેવા દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. નવાઈ લાગે એવી વાત એ છે કે અમુક ભારતીયો પાકિસ્તાન અને ચીન જેવા ભારતના દુશ્મન દેશોમાં પણ સ્થાયી થઈ રહ્યા છે.
કયા દેશમાં કેટલા ભારતીયોએ નાગરિકતા લીધી?
વર્ષ 2021માં 1,63,370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. સૌથી વધુ 78,284 લોકોએ અમેરિકન નાગરિકતા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. એ પછી 23,533 લોકોએ ઓસ્ટ્રેલિયાની અને 21,597 લોકોએ કેનેડાની નાગરિકતા લીધી હતી. ચીનમાં રહેતા 300 લોકોએ ત્યાંની નાગરિકતા મેળવી હતી. 41 લોકોએ પાકિસ્તાનની નાગરિકતા મેળવી હતી. વર્ષ 2020માં નાગરિકતાનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 85,256 હતી અને વર્ષ 2019માં 144,017 લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી.
દર વર્ષે સરેરાશ કેટલા ભારતીયો તેમની નાગરિકતા છોડે છે?
દર વર્ષે લગભગ 1.5 લાખ ભારતીયો તેમની નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. ભારતીયોએ દુનિયાના 135 દેશોની નાગરિકતા મેળવી છે.
ભારતીયો કયા દેશોની નાગરિકતા સૌથી વધુ લઈ રહ્યા છે?
અમેરિકામાં રહેતા સરેરાશ 44 ટકા ભારતીયો તેમની નાગરિકતા છોડી દે છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા 33 ટકા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. બ્રિટન, સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, કતાર, સિંગાપોર જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થઈ રહ્યા છે.
ભારતની નાગરિકતા છોડવામાં આ રાજ્યના લોકો છે સૌથી આગળ
ભારતની નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લેવામાં ગુજરાત ઉપરાંત આ બે રાજ્યો અગ્રેસર છે. દિલ્હી આ બાબતે 60414 લોકો સાથે પહેલા નંબરે છે. એ પછી પંજાબ (28117 લોકો) અને ગુજરાત (22300 લોકો)નો ક્રમ આવે છે. આ આંકડા વર્ષ 2014થી 2022 સુધીના છે.
વિદેશી નાગરિકતા મેળવ્યા પછી શું કરવું પડે છે?
વિદેશી નાગરિકતા મેળવ્યા પછી અરજદારે પોતાનો ભારતીય પાસપોર્ટ રદ કરવા માટે ભારતીય કોન્સ્યુલેટને આપી દેવો પડે છે. એની સાથે વિદેશી પાસપોર્ટની નકલ પણ આપવી પડે છે. કોન્સ્યુલેટ ભારતીય પાસપોર્ટ રદ કરે છે અને તેને ‘ત્યાગ પ્રમાણપત્ર’ સાથે અરજદારને પરત કરે છે. અરજદારે 3 વર્ષની અંદર ત્યાગ પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે.
કોરોના મહામારી દરમિયાન પ્રમાણ ઘટ્યું હતું
2015 અને 2020 ની વચ્ચે 8 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. 2020 માં કોરોનાને કારણે આ આંકડામાં ઘટાડો થયો હતો. વર્ષ 2023 ના આંકડા કહે છે કે, 1.25 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે, જેમાંથી 37 લાખ લોકો OCI (ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા) કાર્ડ ધારક છે.
OIC કાર્ડ શું છે?
ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. એટલે જો તમે અન્ય કોઈ દેશની નાગરિકતા લેવા માંગતા હો, તો તમારે ભારતીય નાગરિકતા છોડવી પડે છે. OCI કાર્ડ એ વિદેશમાં સ્થાયી થનાર અને ત્યાંની નાગરિકતા લેનાર ભારતીય લોકો માટેની ખાસ સુવિધા છે. OCI ભારતમાં જીવનભર રહેવા, કામ કરવા અને તમામ પ્રકારના આર્થિક વ્યવહારો કરવાની સુવિધા આપે છે. OCI ધારક જ્યારે પણ ઈચ્છે ત્યારે વિઝા વિના ભારત આવી શકે છે. તે આજીવન માટે માન્ય છે.
OCI કાર્ડ ધારકોને ભારતીય નાગરિકોની જેમ ઘણા અધિકાર મળે છે, પરંતુ તેઓ આ પાંચ બાબતો કરી શકતા નથી.
1) કોઈપણ પ્રકારની ચૂંટણી લડી નથી શકતા.
2) કોઈપણ પ્રકારની ચૂંટણીમાં મત નથી આપી શકતા.
3) સરકારી નોકરી નથી મેળવી શકતા.
4) બંધારણીય પદ પર નથી રહી શકતા.
5) ખેતીની જમીન ખરીદી નથી શકતા.
કેટલાક ભારતીયોને PIO કાર્ડ આપવામાં આવ્યા હતા
વિશ્વના ઘણા દેશોમાં બેવડી નાગરિકતાની સુવિધા છે, ભારતમાં નથી. લાખો ભારતીયોએ અમેરિકા, બ્રિટન કે કેનેડા જેવા દેશોની નાગરિકતા લીધી છે, પરંતુ ભારત સાથે તેમનું જોડાણ યથાવત્ છે. આવા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 2003માં PIO (પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન) કાર્ડની જોગવાઈ કરી હતી. પાસપોર્ટની જેમ આ કાર્ડ પણ દસ વર્ષ માટે આપવામાં આવ્યું હતું. PIO ની જોગવાઈ 2015 માં નાબૂદ કરવામાં આવી હતી. હવે માત્ર OCI કાર્ડ જ ઉપયોગમાં છે.
ભારતની નાગરિકતા છોડવાના પાછળ કયા કારણો છે?
સૌથી મોટું કારણ – પૈસા ! : ભારતીયોનું ભારત છોડવા પાછળનું સૌથી મોટું કારણ પૈસા છે. જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે, પરંતુ માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણે હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે. ભારતની સરખામણીમાં વિદેશમાં વધુ આવક રળવાની તક મળતી હોવાથી ભારતીયોને વિદેશનું ઘેલું લાગ્યું છે. ભારતમાં પ્રતિ કલાક સરેરાશ મજૂરી દર રૂપિયા 170 છે જ્યારે બ્રિટનમાં 945 અને અમેરિકામાં 596 રૂપિયા મળે છે. ઉપરાંત, આ દેશોમાં શ્રમ કાયદાનું પણ કડકપણે પાલન કરવામાં આવે છે. તેથી ભારતીયો આ દેશોમાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.ઉચ્ચ શિક્ષણ પણ આકર્ષણ જગાવે છે : ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય છે. એમ કરવામાં પણ ભણ્યા બાદ વિદેશમાં સ્થાયી થઈ જવાની ગણતરી હોય છે. ભારતીય વિદ્યાર્થીઓમાંથી 60 ટકાથી વધુ ભારત પાછા નથી આવતા. વિદેશમાં નોકરી મેળવ્યા પછી ત્યાંની નાગરિકતા મેળવી લે છે.બહેતર સ્વાસ્થ્ય સેવાઓ મળે છે : ભારતની સરખામણીમાં વિદેશમાં ઘણી સારી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોવાથી પણ ભારતીયો દેશ છોડી રહ્યા છે. સારું જીવનધોરણ : રહેઠાણથી લઈને કામનું સારું વાતાવરણ અને સરકારી સેવાઓથી લઈને ખાનગી સગવડો સુધીની તમામ સુવિધા બાબતે અન્ય દેશો ભારત કરતાં આગળ હોવાથી પણ ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. ઓછું પ્રદૂષણ : ભારતમાં કેટલું પ્રદૂષણ છે, એ સૌને ખબર છે. વિદેશના મોટાભાગના દેશો ભારત જેટલા પ્રદૂષિત ન હોવાથી પણ વિદેશ કમાવા માટે ગયેલા ભારતીયો પછી ત્યાંની નાગરિકતા લઈને કાયમ માટે ત્યાં જ સ્થાયી થઈ જવાનું પસંદ કરે છે.રોકાણના સારા વિકલ્પ : પોતે કરેલી બચતના વધુ સારા વિકલ્પ વિદેશમાં ઉપલબ્ધ હોવાથી પણ ભારતીયો વિદેશી નાગરિકતા લઈ રહ્યા છે.