અમરેલીમાં પાયલ ગોટી નામની એક યુવતીની ધરપકડ કર્યાં બાદ તેમને જાહેરમાં ગુનાના સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં. જેના કારણે તેમના 'પટેલ સમાજ' દ્વારા આ 'સરઘસ' સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
એ પછી સરકારની કેફિયત પ્રમાણે યુવતીને રિકન્સ્ટ્રક્શનનાં ભાગરૂપે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યાં હતાં.
જોકે આ ઘટનાને ઘણા લોકો ગેરકાયદેસર રીતે કઢાયેલા 'પોલીસના વરઘોડા'નું નામ આપી રહ્યા, તો ઘણા લોકો તેને ખરેખરનું 'રિકન્સ્ટ્રક્શન' માને છે.
પોલીસ તપાસ દરમિયાન કરવામાં આવતું ગુનાનું રિકન્સ્ટ્રક્શન શું છે? તે કેમ કરવામાં આવે છે? તે કરતી વખતે શું ધ્યાન રાખવાનું હોય છે? પોલીસને રિકન્સ્ટ્રક્શનથી તપાસમાં શું મદદ મળે છે?
આવા અનેક સવાલોનો જવાબ મેળવવા બીબીસી ગુજરાતીએ વિવિધ નિષ્ણાતો સાથે વાત કરી. જેમાં ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના નિષ્ણાતો, આઈ.પી.એસ અધિકારીઓ અને ધારાશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.
પ્રથમ દૃષ્ટિએ તો એ કહેવું પડે કે રિકન્સ્ટ્રક્શનને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી શકાતું નથી, તેને પુરાવા તરીકે કોર્ટ ગ્રાહ્ય રાખતી નથી. પકડાયેલી વ્યક્તિની મંજૂરી વગર રિકન્સ્ટ્રક્શન કરી શકાતુ નથી."
રાહુલ શર્મા માને છે કે હાલમાં પોલીસ જે રીતે તપાસ કરે છે અને જે રીતે મીડિયામાં પકડાયેલા લોકોની આબરૂ ઉડાડે છે, તે કોઈ પણ ભોગે ચલાવી શકાય નહીં. પોલીસની આ કામગીરી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે.
રાહુલ શર્મા વધુમાં કહે છે, "દરેક વ્યક્તિને સ્વમાનથી જીવવાનો અધિકાર છે, તેમને જીવવાનો અધિકાર છે, તેમને વ્યક્તિ સ્વતંત્રતાનો સંપૂર્ણ અધિકાર છે. જો આવું ન થાય તો ભારતીય સંવિધાનના આર્ટિકલ 21નો ભંગ થાય છે. "
"તેમને જાહેરમાં બહાર કાઢવા, સરઘસ કાઢવું તે ખોટું છે અને જો કોઈ મંત્રી નેતા કે પછી અધિકારી આવું કરવાનું કહેતા હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય."
સિનિયર ધારાશાસ્ત્રી, ઉત્કર્ષ દવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "DK Basu versus State of West Bengal કેસનો ચુકાદો ખૂબ જ મહત્ત્વનો છે, જેમાં પોલીસે પકડેલી વ્યક્તિની સ્વતંત્રતા વિશે વાત કરવામાં આવી છે."
"આ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિનું અપમાન થાય તેવું કૃત્ય પોલીસ કરી શકે નહીં, તેની સાથે સાથે ભારતીય સંવિધાનનાં આર્ટિકલ 21નું ઉલ્લંઘન થતું હોય તેવું કોઈ પણ કામ પોલીસ ધરપકડ કરેલા વ્યક્તિ સાથે ન કરી શકે."
"ભારતના કોઈ કાયદામાં આરોપીને માર મારવાની પરવાનગી આપવામાં આવી નથી."
ઉત્કર્ષ દવે કહે છે કે, "ધરપકડ બાદ પોલીસ આરોપીથી તેમનો ફોન કે પછી તેમનું લૅપટૉપ વગેરેની માંગણી કરે છે, એવામાં જે તે વ્યક્તિની સ્વતંત્રતા છે કે તે પોલીસને ઇન્કાર કરી શકે છે અને તેની સામે પોલીસ કોઈ અન્ય વધારાની કાર્યવાહી ન કરી શકે."
કોઈ ગુનો બને ત્યારે અપરાધ કરવાની પદ્ધતિને સારી રીતે સમજવા માટે પોલીસ આરોપીની સાથે રાખીને ગુનો આચરવાના સમગ્ર ઘટનાક્રમને રિપીટ કરાવે છે, જેથી તેમને વધારાના પુરાવા મળે. પોલીસે આ પ્રક્રિયા માટે યોગ્ય પરવાનગીઓ લેવી પડે છે.
નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે. એમ. વ્યાસે વાત કરતા કહ્યું, "ગમે તે કેસ થયો હોય, દરેક ગુનામાં જો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, તો પોલીસને તે સંદર્ભે તપાસમાં મદદ મળતી હોય છે."
"જેમ કે ગુનો કરનાર ક્યાંથી આવ્યો, ક્યાં ગયો, કઈ-કઈ વસ્તુનો ઉપયોગ કર્યો, વગેરે જેવી માહિતીને ઝીણવટપૂર્વક આ પ્રક્રિયા દરમિયાન જાણી શકાય છે, જેમાંથી નવા પુરાવા મળે છે."
FSLના જ અન્ય એક ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ ન છાપવાની શરતે જણાવ્યું, "સમાન્ય રીતે રિકન્સ્ટ્રક્શન કોઈ એક એજન્સી કામ નથી કરતી, તેમાં વિવિધ એજન્સીઓ જેમ કે, FSL, ડૉગ સ્ક્વૉડ વગેરે જેવી ટીમો પણ ત્યાં હાજર હોય છે."
"તેને વૈજ્ઞાનિકઢબે તપાસવામાં આવે છે. તેમાં દરેક વસ્તુને ખૂબ ઝીણવટથી જોવામાં આવે છે."
"તેઓ વધુમાં કહે છે કે, "રિકન્સ્ટ્રક્શન કરાવતા પહેલાં અનેક તૈયારીઓ કરવી પડે છે. સૌથી પહેલાં તો તપાસ એજન્સીને ખબર હોવી જોઈએ કે તેમને શું જોઈએ છે, તે કેવા પ્રકારનો પુરાવો શોધી રહી છે?"
"સામાન્ય રીતે રિકન્સ્ટ્રક્શન કરતા પહેલાં અમે વિવિધ રિપૉર્ટ જેમ કે, કોઈ પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ હોય તો તે, કોઈ ઈ-મેઇલ, ફિંગરપ્રિન્ટ્સ રિપૉર્ટ વગેરે જેવી માહિતી હોય તો તે મદદરૂપ થાય છે."
છેલ્લા ઘણા સમયથી આરોપીઓની ધરપકડ કર્યા બાદ, પોલીસ તેમનો 'વરઘોડો' કે 'સરઘસ' કાઢે છે, તેવા અનેક બનાવો હાલમાં જોવા મળ્યાં છે.
જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેના એક કાર્યક્રમમાં ડિસેમ્બર 2024એ એક સભામાં કહ્યું હતું, "આપણે આપેલો ડંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ."
"હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું, જે ગુનેગાર જે ભાષા સમજતો હોય, જે ગુનેગારને જે ભાષા આવડતી હોય એ ભાષાથી સમજાવી શકે એને જ પોલીસ કહેવાય."
અન્ય એક સભામાં સંઘવી એમ કહેતા નજરે પડે છે, "અસામાજિક તત્ત્વો પોલીસના વરઘોડામાં જોવા મળશે એની હું તમને ખાતરી આપું છું અને વરઘોડાએ સારા નીકળે છે. ચાલવાની તો તકલીફ પડવી જ જોઈએ."
તા. 31મી ડિસેમ્બર 2024: ભાવનગર પોલીસે આગચંપી અને તોડફોડના આરોપમાં ધરપકડ કરાયેલા ત્રણ લોકોનું સરઘસ કાઢ્યું હતું.
તા. 17 ડિસેમ્બર 2024 - સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણ લોકોની ધરપકડ કરી તેમનો 'વરઘોડો' કાઢવામાં આવ્યો હતો
તા. 7 ડિસેમ્બર 2024 - વાહનોમાં તોડફોડના આરોપમાં ધરપકડ કરાયેલા લગભગ 9 લોકોનો અમદાવાદમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો
ડિસેમ્બર 2024 - સુરતના વરાછામાં લોકોને તથાકથીત રીતે પરેશાન કરનાર આરોપીઓને જાહેરમાર્ગ પર ચલાવીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર 2024 – સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાના આરોપો બાદ પોલીસે કેટલાક શખસોની ધરપકડ કરી હતી. આ પોલીસવાનમાંથી બહાર નીકળતી વખતે ચાલી શકવાની પરિસ્થિતમાં ન હોવાનું કેટલાક વીડિયોમાં જોવા મળ્યું હતું.
શું સૂચવે છે આ પ્રકારની ઘટનાઓ?
"હવે ગુજરાતમાં ધીરે-ધીરે સત્તા એ દમનનું સાધન બની રહ્યું છે, સરકારને દમન કરવું હોય કે પછી લોકોમાં ભય ફેલાવવો હોય, તો પોલીસનો ઉપયોગ કરે."
ઘણા સમાજશાસ્ત્રી માને છે કે આ પ્રકારની ઘટના રાજ્યની સામંતવાદની યાદ અપાવી રહી છે, જ્યારે નાના-નાના રાજાઓ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આ પ્રકારે પોતાની સત્તાનો દુરઉપયોગ કરતા હતા.
જાની કહે છે, "હાલની ઘટનાઓ સામંતવાદ સૂચવે છે, લોશાહીમાં આ બધું જોવા ન મળે, લોકશાહીમાં કાયદો હોય છે, અહીંયા કાયદો તો ક્યાંય દેખાતો જ નથી."
જો કે તેઓ એ પણ માને છે કે, સરકારની આ પ્રકારના પગલા માત્ર નાના ગુનેગારો પર જ હોય છે, ઇકૉનૉમિક ઑફેન્સના ગુનેગારો, વાઇટ કૉલર ક્રાઇમના ગુનેગારોના ક્યારેય વરઘોડા નથી નીકળતા. માત્ર સામાન્ય આરોપીઓના જ વરઘોડા કાઢવામાં આવે છે, તે સૂચવે છે કે, સામાન્ય માણસને ડરાવીને રાખવો છે.
તો ગુજરાતના આરોગ્યમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અમરેલી પોલીસની કામગીરીને 'આરોપીઓનું સરઘસ' નહીં, પણ 'ઘટનાનું રિકન્સ્ટ્રકશન' કરવાની પ્રક્રિયા ગણાવી હતી.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "આ સમગ્ર ઘટનાને ખોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોલીસ પોતાનું કામ કરી રહી હતી, અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી."
આ મામલે અમરેલીના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સંજય ખરાટે કહ્યું, "આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી હતી. એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઑર્ડર વિરુદ્ધ કર્યું હોય. આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે."