આરજી કર હૉસ્પિટલમાં ટ્રેની મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલામાં કોર્ટે આરોપી સંજય રાયને દોષિત ઠેરવ્યા છે. કોર્ટ સોમવારે આ મામલામાં સજા સંભળાવશે.
ગત વર્ષે ઑગસ્ટ માસમાં થયેલી આ ઘટનાએ સમગ્ર પશ્ચિમ બંગાળમાં એક જનાક્રોશની સ્થિતિ પેદા કરી હતી.
9 ઑગસ્ટ, 2024ના રોજ 31 વર્ષનાં એક મહિલા ટ્રેની ડૉક્ટરનો મૃતદેહ હૉસ્પિટલના કૉન્ફરન્સ રૂમમાં મળ્યો હતો. તપાસમાં ખબર પડી હતી કે તેમનો બળાત્કાર થયો હતો અને એ બાદ તેમની હત્યા કરી દેવાઈ હતી.
આ ઘટના પછી કોલકાતામાં વિરોધપ્રદર્શનો શરૂ થયાં અને રાજ્યમાં બે મહિનાથી વધુ સમય માટે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ હતી.
આ ઘટના બન્યાને પાંચ માસનો સમય થઈ ગયો છે અને શનિવારે કોલકાતાની સિયાલદહ કોર્ટે આ મામલામાં નિર્ણય સંભળાવ્યો છે.
નિર્ણય આપતી વખતે કોર્ટના સ્પેશિયલ જજ અનિર્બાન દાસે સંજય રાય તરફ જોઈને કહ્યું કે તેમની વિરુદ્ધ સીબીઆઇએ યૌનશોષણ અને બળાત્કારના પુરાવા રજૂ કર્યા છે અને તેમનો અપરાધ સાબિત થાય છે.
તેમને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 અને 103 (1) અંતર્ગત દોષિત ઠેરવાયા છે.
કોર્ટે કહ્યું કે આ મામલામાં સોમવારે સજા સંભળાવાશે, આ દરમિયાન આરોપી સંજય રાયે કોર્ટમાં હાજર રહેવાનું હશે.
આ મામલામાં 'પુરાવા નષ્ટ કરવાના' આરોપમાં મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને સ્થાનિક ટાલા સ્ટેશનના ઇનચાર્જ અભિજિત મંડલ વિરુદ્ધ સીબીઆઇ ચાર્જશીટ દાખલ નથી કરી શકી, જેના કારણે તેમને જામીન મળી ગયા છે.
પરંતુ સીબીઆઇની તપાસ અંગે મૃતક ડૉક્ટરનાં માતાપિતાએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેમણે મામલા પર નજર રાખી રહેલી સુપ્રીમ કોર્ટ અને કલકત્તા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજીમાં તેમણે અપીલ કરી છે કે સિયાલદહની વિશેષ કોર્ટને આ મામલામાં સજા સંભળાવાથી રોકવામાં આવે અને સમગ્ર મામલાની ફરી એક વાર નવેસરથી તપાસ કરાય.