ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો છે, ત્યારે આ આંદોલનનો હેતુ શું હતો અને તેનાથી ખરેખર ફાયદો થયો કે નહીં તે મામલે બે પાટીદાર આગેવાનો આમનેસામને આવી ગયા છે. એક તરફ જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા જૂથના સ્થાપક કરસનભાઈ પટેલ છે, જ્યારે બીજી તરફ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ છે જેઓ હવે ભાજપના ધારાસભ્ય પણ છે.
તાજેતરમાં પાટણમાં પાટીદાર વિદ્યાર્થીઓના એક સન્માન સમારંભના કાર્યક્રમમાં કરસનભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાંથી પેદા થયેલા પાટીદાર આંદોલનને યાદ કરીને કહ્યું કે "પાટીદાર આંદોલનથી કોઈ ફાયદો નથી થયો અને કેટલાય યુવાનોનાં મોત થયાં છે. બીજી તરફ આ આંદોલનના નામે કેટલાક લોકોએ પોતાના રાજકીય રોટલા શેક્યા છે."
જાણકારો અનુસાર તેમનો આ ઇશારો સ્પષ્ટ રીતે 'હાર્દિક પટેલ અને તેમના સાથીદારો' તરફ હતો.
જોકે, હાર્દિક પટેલે પણ કરસનભાઈ પટેલને જવાબ આપ્યો છે.
ભાજપના ધારાસભ્ય બની ગયેલા હાર્દિક પટેલે કહ્યું કે "આ આંદોલનનું મહત્ત્વ કરસનભાઈને નહીં સમજાય કારણ કે તેઓ કરોડોપતિ છે. તેમના જેવા લોકો સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે."
એક દાયકા અગાઉ હાર્દિક પટેલ જ્યારે હજારો પાટીદાર યુવાનોને લઈને આંદોલનની આગેવાની કરતા હતા ત્યારે તેઓ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ અને તેમના મંત્રી નીતિન પટેલ માટે બહુ ઉગ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા. પરંતુ તાજેતરમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ બંને હાજર હતા, ત્યારે બંનેએ એકબીજાના વખાણ કર્યા હતા અને નીતિન પટેલે તો હાર્દિક પટેલને ગુજરાત સરકારમાં મંત્રીપદ મળે તેવી શુભકામના પણ પાઠવી હતી.
પાટણમાં લેઉઆ સમાજના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિરમા જૂથના સ્થાપક કરસનભાઈ પટેલ ઉપસ્થિત હતા.
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "અમારો પાટીદાર સમાજ છે. સમાજના લોકો મોટેભાગે ખેડૂત છે. તેમણે ક્યારેય કોઈની સામે હાથ નથી લંબાવ્યો. તેમણે હંમેશા બધાને કંઈને કંઈ આપ્યું છે."
તેમણે પાટીદાર આંદોલન સામે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે સવાલ કર્યો કે શું આ આંદોલન આનંદીબહેન પટેલને મુખ્ય મંત્રીપદેથી હઠાવવા માટે હતું?
તેમણે કહ્યું, "આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું. પાટીદારોએ જ કર્યું હતું. તેમાં પટેલોને શું મળ્યું? કંઈ નહીં. તેમાં આપણા યુવાનો શહીદ થયા અને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ પણ લેઉવા પાટીદારની છોકરી, જે મુખ્ય મંત્રી હતી, તેણે જવું પડ્યું. તેથી આ આંદોલન અનામત માટે હતું કે કોઈને કાઢવા માટે હતું? પટેલને જ પટેલ હટાવે તે શક્ય નથી તે આ સંશોધનનો વિષય છે."
કરસનભાઈના નિવેદનમાં હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ ન હતો, પરંતુ તેમનો ઇશારો કોના તરફ હતો તે સ્પષ્ટ હતું. તેથી થોડા જ કલાકોમાં હાર્દિક પટેલે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું.
હાર્દિક પટેલે કરસનભાઈ પટેલને જવાબ આપ્યો.
હાર્દિક પટેલે જવાબ આપતા કહ્યું કે, "પાટીદાર અનામત આંદોલનના ફાયદા વિશે કદાચ કરસન ભાઈને ન ખબર પડે, કારણ કે કરસનભાઈ કરોડપતિ છે. આ આંદોલન સમાજના નબળા વર્ગ માટે હતું. આંદોલનથી 10 ટકા ઈબીસીનો લાભ થયો, 1000 કરોડની સ્વાવલંબન યોજના મળી અને બિનઅનામત આયોગની રચના થઈ. આ યોજનાઓથી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાતમાં હજારો યુવાનોને સરકારી નોકરી અને શિક્ષણનો લાભ મળ્યો."