અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં ભારત પરત મોકલાયેલા 116 ભારતીયોમાંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમનું હાલમાં અમદાવાદ એરપોર્ટ પર વેરિફિકેશન ચાલી રહ્યું છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને પોલીસની ગાડીઓમાં જ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આજે રવિવારે ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો વધુ ત્રીજો કાફલો પણ અમૃતસર એરપોર્ટ પર પહોંચશે. આ પ્લેન રાત્રે 10 વાગ્યે લેન્ડ કરશે. જેમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાના અહેવાલો છે.
અમૃતસરથી વિમાન અમદાવાદ પહોંચ્યું
ગઈકાલે મોડી રાતે 116 ગેરકાયદે ભારતીયોને બીજી ફ્લાઈટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોમાં 8 ગુજરાતી પણ સામેલ હતા. જેમને આજે સવારે અમૃતસરથી અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતાં.