Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 13 April 2025

ગુજરાતનો 'ઝોળીદાર વિકાસ': નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો

ગુજરાતનો 'ઝોળીદાર વિકાસ': નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો
વિકાસની ફરી એકવાર પોલ ખૂલી ગઈ છે. નર્મદા જિલ્લાના  ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા ઇસિદ્રભાઈને સાપ કરડતા રોડના અભાવે ઝોલીમાં નાંખીને દવાખાને લઈ જવા પડ્યા હતાં. આ ઘટના સામે આવ્યા બાદ નર્મદાનો ઝોળીદાર વિકાસ ફરી એકવાર સામે આવ્યો છે. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ, રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી. તેથી, આશરે 10 કિ.મી સુધી ઈસિદ્રભાઈને ઝોળીમાં નાંખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા. મુખ્ય માર્ગ પરથી બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હાલ, હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે. 
સ્ટેચ્યુ ઑફ યુનિટીથી 10 કિ.મી દૂર ગામડાની કફોડી સ્થિતિ

નોંધનીય છે કે,  નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું આ ગામ સ્ટેચ્યુ ઑફ યુનિટી 10 કિલોમીટર ના અંતરે આવેલું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી. જ્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટીના નામે કરોડો રૂપિયા વિકાસના નામે ખર્ચ કરવામાં આવે છે. 

આ પહેલાં પ્રસૂતાનો વીડિયો થયો હતો વાઈરલ

આ પહેલાં પણ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ચાપટ ગામના પાયલ વસાવાને રાત્રે પ્રસવ પીડા ઉપડી હતી અને ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ નહતું, તેથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી. પરંતુ, પરિવારજનો પ્રસૂતાને હૉસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા.

ગામડાની સ્થિતિ

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું છે. આ ગામમાંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. જેથી, ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન પણ આવી શકતું નથી. આ ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા કોઈ પાક્કો રસ્તો બનાવવામાં નથી આવ્યો.