ઉત્તર પ્રદેશના આગ્રામાં આજે (12 એપ્રિલ, 2025) કરણી સેના દ્વારા રાણા સાંગાની જ્યંતી પર સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને થોડા દિવસ અગાઉ રાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદથી જ દેશના રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. એવામાં આજે કરણી સેનાએ જાહેરાત કરી છે કે જો રામજી લાલ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો હજારોની સંખ્યામાં લોકો તેમના ઘર સુધી પહોંચશે. સાથે સાથે કરણી સેનાની માંગ છે કે સપા સાંસદ રાજપૂતોની માફી પણ માંગે.
કરણી સેનાએ બાંયો ચડાવી
કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલ પણ રેલીમાં સામેલ થવા માટે આગ્રા પહોંચ્યા હતા. શુક્રવાર રાતથી જ યુપીના વિવિધ જિલ્લાથી હજારોની સંખ્યામાં લોકો સભા સ્થળ પાસે પહોંચી ગયા હતા. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે રામજી લાલ સુમન વિરુદ્ધ કાર્યવાહી માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. એવામાં જોવાનું રહેશે કે હવે કરણી સેનાની આગામી વ્યૂહનીતિ શું રહેશે અને યુપીની યોગી સરકાર આ મામલે શું એક્શન લેશે.
મારી હત્યા થઈ શકે છે: રામજી લાલ
બીજી તરફ સપા સાંસદ રામજી લાલ સુમને કહ્યું છે, કે 'સૌ કોઈને વિરોધ કરવાની સ્વતંત્રતા છે પરંતુ વિરોધ કરવાની પણ એક રીત હોય. કરણી સેનાએ અરાજકતાનો રસ્તો અપનાવ્યો છે. મારા અને મારા પરિવારના જીવને ખતરો છે. મારી હત્યા થઈ શકે છે તેથી પોલીસે પણ સુરક્ષા આપી છે.'