Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 4 August 2025

ગુજરાતમાં શિક્ષક ભરતીનું ખાનગીકરણ: કચ્છમાં સામાજિક સંસ્થાઓને સોંપાયું કામ, કોંગ્રેસનો હોબાળો

ગુજરાતમાં શિક્ષક ભરતીનું ખાનગીકરણ: કચ્છમાં સામાજિક સંસ્થાઓને સોંપાયું કામ, કોંગ્રેસનો હોબાળો
કચ્છ, ગુજરાત: ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયામાં ખાનગીકરણનો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટને પહોંચી વળવા માટે સરકારે શિક્ષકોની ભરતીની જવાબદારી સામાજિક સંસ્થાઓને સોંપી છે. શ્રી સર્વ સેવા સંઘ, ભુજ દ્વારા વર્ષ 2025-26 માટે મુંદ્રા તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે હંગામી ધોરણે 150 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ શિક્ષકોને માસિક 9,000 રૂપિયાના માનદ વેતનથી નિમણૂક આપવામાં આવશે.

આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શ્રી સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર છેડા, જેઓ ભાજપના પૂર્વ રાજ્યમંત્રી દિવંગત તારાચંદ છેડાના પુત્ર છે, તેમની સંસ્થા દ્વારા આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણયે રાજ્યમાં ભારે વિવાદ જન્માવ્યો છે, અને સવાલ ઉઠી રહ્યા છે કે શું સરકાર પોતાની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં અસમર્થ છે?

કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

આ ખાનગીકરણના નિર્ણય સામે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્રણ દિવસ પહેલાં કચ્છની જિલ્લા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના કાર્યકરોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. શિક્ષકોની ઘટ અને ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કરતાં કોંગ્રેસે સત્તાપક્ષના હોદ્દેદારોના રાજીનામાની માગ કરી હતી. આ દરમિયાન જિલ્લા પંચાયતની ઓફિસમાં ધક્કામુક્કી અને કોંગ્રેસ કાર્યકરો સાથે પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મામલો ગરમાયો હતો.


કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ 

કચ્છ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 50 ટકા જેટલી શિક્ષકોની ખામી જોવા મળી છે, જેના કારણે શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાં શિક્ષકોની ઘટ લાંબા સમયથી ચાલી આવે છે. અગાઉ અનેક રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતાં હવે કોંગ્રેસ આ મુદ્દે આક્રમક બની છે.


શું છે મુખ્ય મુદ્દો?

ગુજરાતભરમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ એક ગંભીર સમસ્યા બની છે. કચ્છમાં આ સમસ્યા વધુ ઉગ્ર છે, જ્યાં 5,924 શિક્ષકોની ખામી હોવાનું જણાવાયું છે. સરકારે 4,100 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હોવા છતાં, આ ભરતી ક્યારે પૂર્ણ થશે તે અંગે અનિશ્ચિતતા છે. આ દરમિયાન, સામાજિક સંસ્થાઓ દ્વારા હંગામી શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણની ગુણવત્તા અને સ્થાયી ઉકેલ પર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. 

શિક્ષકોની ભરતીમાં ખાનગીકરણનો આ નિર્ણય ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે નવી ચર્ચાને જન્મ આપી રહ્યો છે. એક તરફ સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ શિક્ષકોની ઘટ અને ખાનગીકરણની નીતિએ શિક્ષણના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે. કચ્છના બાળકોના શિક્ષણનું ભવિષ્ય સુધારવા માટે સરકારે સ્થાયી અને પારદર્શક ઉકેલો લાવવાની જરૂર છે.