Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 15 February 2026

ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે: રશિયન ક્રૂડનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે? અમેરિકા સાથેના ટ્રેડ ડીલની અસર: ભારતની ઉર્જા નીતિમાં અમેરિકા હાવી!!

ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે: રશિયન ક્રૂડનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે? અમેરિકા સાથેના ટ્રેડ ડીલની અસર: ભારતની ઉર્જા નીતિમાં અમેરિકા હાવી!!
-Friday World 15th Feb 2026
તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારે વૈશ્વિક ઊર્જા બજારમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારની જાહેરાત કરતાં કહ્યું હતું કે ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાત સંપૂર્ણપણે બંધ કરવાનું વચન આપ્યું છે. આના બદલામાં અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લાગુ 25% પેનલ્ટી ટેરિફ હટાવી દીધી છે અને મુખ્ય ટેરિફને 18% સુધી ઘટાડી છે. 

આ કરાર પછી ભારત સરકારે દેશની સરકારી તેલ રિફાઇનરી કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે – અમેરિકા અને વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સરકારે રિફાઇનર્સને સ્પોટ માર્કેટમાં ટેન્ડર દ્વારા તેલ ખરીદતી વખતે અમેરિકી ક્રૂડને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. વેનેઝુએલાના તેલ માટે ખાનગી વેપારીઓ સાથે વાતચીત દ્વારા સોદા કરવાની સલાહ આપવામાં આવી છે. 

રશિયન તેલની આયાતમાં ઘટાડો: અમેરિકી દબાણની અસર છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બની ગયો હતો. યુક્રેન યુદ્ધ પછી રશિયન તેલ ડિસ્કાઉન્ટ પર મળતું હોવાથી ભારતે તેની આયાતમાં ભારે વધારો કર્યો હતો. પરંતુ અમેરિકી દબાણ અને ટેરિફના કારણે આ વલણ બદલાઈ રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રશિયન તેલની આયાત અડધી થઈ શકે છે. ભારત સરકારે આ વાતને સીધી રીતે સ્વીકારી નથી, પરંતુ વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઊર્જા સુરક્ષા અને વિવિધતા પ્રાથમિકતા છે. નિર્ણયો ખર્ચ, જોખમ અને ઉપલબ્ધતાના આધારે લેવાશે, રાજકીય દબાણથી નહીં. 

અમેરિકી અને વેનેઝુએલા તેલના ફાયદા અને પડકારો અમેરિકી ક્રૂડ મોટેભાગે 'લાઇટ અને સ્વીટ' (ઓછો સલ્ફરવાળું) હોય છે, જે ભારતીય રિફાઇનરીઓ માટે પ્રોસેસ કરવું સરળ નથી કારણ કે મોટાભાગની યુનિટ્સ મીડિયમ ક્રૂડ માટે બનેલી છે. વધુમાં, અમેરિકાથી ભારત સુધીનું અંતર વધુ હોવાથી ફ્રેટ રેટ્સ (નૂર) વધારે પડે છે. કઝાકિસ્તાન અને પશ્ચિમ આફ્રિકાથી તેલ મંગાવવું સસ્તું અને નજીક પડે છે. 

તેમ છતાં, નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય રિફાઇનર્સ વાર્ષિક 20 મિલિયન ટન (લગભગ 4 લાખ બેરલ પ્રતિદિન) અમેરિકી તેલ લઈ શકે છે, જે ગયા વર્ષના 2.25 લાખ બેરલ પ્રતિદિન કરતાં બમણું છે. 

વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે, પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે 2019 પછી ભારતે તેની આયાત બંધ કરી દીધી હતી. 2023-2024માં પ્રતિબંધો આંશિક હળવા થતાં ફરી શરૂ થઈ. તાજેતરમાં IOC, BPCL, HPCL જેવી સરકારી કંપનીઓએ 40 લાખ બેરલ વેનેઝુએલનું તેલ ખરીદ્યું છે. રિલાયન્સે પણ 2025ના મધ્ય પછી પ્રથમ વખત આ તેલ લીધું છે. અમેરિકાએ વિટોલ અને ટ્રેફિગુરા જેવી કંપનીઓને વેનેઝુએલાના તેલનું માર્કેટિંગ સોંપ્યું છે. 

ભારતની ઊર્જા સુરક્ષા: વિવિધતા અને સ્વાયત્તતા ભારત સરકારનું સ્પષ્ટ કહેવું છે કે દેશની ઊર્જા સુરક્ષા સૌથી ઉપર છે. રશિયન તેલના ડિસ્કાઉન્ટનો લાભ મળતો હતો, પરંતુ હવે ભૂ-રાજકીય દબાણ અને વેપાર કરારને કારણે વિકલ્પો તરફ વળવું પડી રહ્યું છે. આ ફેરફારથી ભારતીય રિફાઇનરીઓને તેમની ક્ષમતા અનુસાર અનુકૂલન કરવું પડશે અને ખર્ચ વધુ થઈ શકે છે.

 આ બધું દર્શાવે છે કે ભારતની ઊર્જા નીતિ હવે માત્ર આર્થિક નથી, પરંતુ રાજકીય અને વૈશ્વિક સંતુલનનો પણ ભાગ બની ગઈ છે. શું આ ફેરફાર ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને અસર કરશે? સમય જ કહેશે, પરંતુ હાલ તો અમેરિકા તરફનું વળાંક અનિવાર્ય લાગી રહ્યું છે.

 Sajjadali Nayani ✍ 
Friday World 15th Feb 2026