-Friday World 1st March 2026
ભાવનગર: ભાવનગર ખોજા શિયા ઇથના અશરી જમાત દ્વારા ઈરાનના મહાન નેતા આયતુલ્લાહ ઇમામ અલી ખામેનેઈ સાહેબની શહાદત પર એક ભાવભીનો અને શાનદાર શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના તમામ અકીદતમંદ સોગવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદની યાદમાં ગહન શોક વ્યક્ત કર્યો હતો.
જનાબ તેહકીક હુસૈન સાહેબે પોતાની જોશીલી અને પ્રભાવશાળી જબાનમાં આયતુલ્લાહ ખામેનેઈ સાહેબ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આયતુલ્લાહ ઇમામ ખામેનેઈ ઇસ્લામી ક્રાંતિના અટલ સ્તંભ, મજલુમોના સાચા હિમાયતી અને જાલિમોના સખ્ત મુખાલિફ હતા. તેઓએ દુનિયાની તાકાતવાન સત્તાઓ સામે પણ દઢતાપૂર્વક ઉભા રહીને ક્યારેય સરેન્ડર ન કર્યું. તેમણે હંમેશા અવામની સાથે ઊભા રહીને શહાદતને પસંદ કરી અને એક ખાસ સંદેશ આપ્યો કે "જિલ્લતની જિંદગી કરતાં ઇજ્જતની મૌત બહેતર છે." આ વાતોએ સૌના હૃદયને સ્પર્શી ગઈ.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર શહેરના જર્નાલિસ્ટોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ આ ઐતિહાસિક અને ભાવનાત્મક ક્ષણનું કવરેજ કરી શકે. સમાજે સ્થાનિક જર્નાલિસ્ટો પર પૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો અને તેમને આવકાર્યા, જેથી આ શોકસભાના સમાચાર વ્યાપક રીતે પહોંચી શકે.
આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ આયતુલ્લાહ ખામેનેઈ સાહેબની શહાદતને વ્યર્થ ન જવા દેવાની અને તેમના વિચારો અને સંઘર્ષથી પ્રેરિત રહેવાનું વચન આપ્યું. અલ્લાહ તેમને જન્નત-ઉલ-ફિરદૌસમાં ઉચ્ચ મકામ અતા ફરમાવે અને ઈરાન તથા સમગ્ર મુસ્લિમ ઉમ્માહને એકજુટ રાખે. ભાવનગર શિયા સમાજ તેમની યાદમાં સદા અકીદત અને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો રહેશે.
Sajjadali Nayani ✍
Friday World 1st March 2026