-Friday World Jul 11 2026
પવિત્ર અમરનાથ યાત્રાની શરૂઆતને હજુ એક સપ્તાહ પણ નથી થયું અને ભક્તો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. બાબા બર્ફાનીનું પ્રાકૃતિક શિવલિંગ સંપૂર્ણપણે પીગળી ગયું છે. હવે શ્રદ્ધાળુઓને માત્ર અમરનાથ ગુફાના જ દર્શન થઈ રહ્યા છે.
૩જી જુલાઈએ શરૂ થયેલી આ ૫૭ દિવસની યાત્રામાં ૪થી જુલાઈથી દર્શન શરૂ થયા હતા. શરૂઆતમાં જ શિવલિંગ નાનું હોવાની ચર્ચા હતી. પણ ચાર દિવસમાં જ તે ૮૦ ટકા પીગળી ગયું અને હવે તેનો અંશ પણ ભાગ્યે જ દેખાય છે.
જમ્મુ-કાશ્મીર સરકારે આ સ્થિતિ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવ્યું છે. સરકારનું કહેવું છે કે વધતા તાપમાનને કારણે બરફનું શિવલિંગ ઝડપથી પીગળી રહ્યું છે.
આ ઘટનાથી ભક્તોમાં અપશુકનની લાગણી ફેલાઈ છે. ઘણા શ્રદ્ધાળુઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. કેટલાક કહે છે કે તેમને હજુ એક ફૂટનું શિવલિંગ દેખાયું, તો ઘણા કહે છે કે તેઓ ખાલી ગુફા જોઈને આવ્યા.
અગાઉ પણ આવું થતું હતું, પણ હવે યાત્રાળુઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. વાહન-વ્યવહાર સરળ બનતા રોજ હજારો લોકો પહોંચે છે. આ વર્ષે યાત્રાના પહેલા ચાર દિવસમાં જ ૯૩ હજારથી વધુ ભક્તો પહોંચી ગયા હતા. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે એક દિવસમાં ૧૦ હજારથી વધુ દર્શન ન થવા જોઈએ.
પહલગામથી ૪૮ કિમી અને બલતાલથી ૧૪ કિમીનો દુર્ગમ રસ્તો કાપીને આવતા ભક્તો માટે આ નિરાશાજનક છે. ગયા વર્ષે પહલગામ હુમલાને કારણે યાત્રા રદ થઈ હતી. આ વર્ષે યાત્રા શરૂ થઈ તો શિવલિંગ જ પીગળી ગયું.
ભક્તોની આસ્થા અડગ છે. તેઓ કહે છે કે દર્શન ગુફાના થાય કે શિવલિંગના, બાબા તો બાબા જ છે. પણ પ્રકૃતિનો આ ચમત્કાર આટલો જલ્દી પીગળી જશે તેવી કોઈએ કલ્પના નહોતી કરી.
Sajjadali Nayani ✍
Friday World Jul 11 2026