-Friday World September 22,2026
અમદાવાદ: કેન્દ્ર સરકારે 19 મે 2023 ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી લઈને આજ સુધી આ ગુલાબી નોટો ચર્ચામાં છે. સરકારે કાળા નાણાં પર રોક લગાવવા માટે આ પગલું ભર્યું હતું. શરૂઆતમાં 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં નોટ બદલવાની છૂટ આપી હતી, જે પછીથી 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવાઈ હતી. હવે દેશની ફક્ત RBI ની 19 શાખાઓમાં જ 2000 ની નોટ જમા થાય છે.
પરંતુ આ જ સુવિધાનો ગેરલાભ ઉઠાવીને અમદાવાદમાં એક મોટું કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. આશ્રમ રોડ સ્થિત RBI ની શાખામાં જ આ કાળા કારોબારનું નેટવર્ક ચાલતું હતું, જેમાં RBI ના એક પૂર્વ કર્મચારી સહિત 4 લોકોની સંડોવણી સામે આવી છે.
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ?
પોલીસ તપાસ મુજબ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઈરફાન ઉર્ફે ચીનો છે. તેની મોડસ ઓપરેન્ડી એકદમ ચાલાકીભરી હતી.
1. લાલચ આપવી: ઈરફાન સામાન્ય લોકોને શોધતો, જેમને પૈસાની જરૂર હોય. તેમને ઓફર અપાતી કે તમારા બેંક ખાતામાં અમે 9 લાખ રૂપિયા જમા કરાવીશું, તેના બદલામાં તમને 30,000 થી 50,000 રૂપિયા સુધી કમિશન મળશે.
2. દસ્તાવેજો કબજે કરવા: જો કોઈ વ્યક્તિ તૈયાર થાય, તો તેની પાસેથી બેંકની પાસબુક, ચેકબુક, ATM કાર્ડ અને અન્ય દસ્તાવેજો લઈ લેવામાં આવતા.
3. RBI માં સેટિંગ: ત્યારબાદ આ દસ્તાવેજો પ્રફુલ દંતાણી અને વૈશાલી દંતાણી નામના બે અન્ય આરોપીઓને આપવામાં આવતા. આ બંને 9 લાખ રૂપિયાની કિંમતની 2000 ની બંધ નોટો લઈને સીધા આશ્રમ રોડ RBI માં પહોંચતા.
4. અંદરનો માણસ: RBI ના પૂર્વ કર્મચારી રાજુની ભૂમિકા અહીં સૌથી મહત્વની હતી. તે બેંકની અંદર પોતાની ઓળખાણોનો ઉપયોગ કરીને કોઈ સવાલ-જવાબ વગર આ નાણાં જમા થઈ જાય તેનું ધ્યાન રાખતો. ફોર્મમાં યોગ્ય કારણ બતાવીને પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવતી.
એકવાર પૈસા તે વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય, પછી ટોળકી ફરીથી તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી લેતી અને કાળા નાણાંને સફેદ કરી દેતી. આ રીતે એક ખાતા દીઠ 9 લાખ રૂપિયા સફેદ કરવામાં આવતા હતા, કારણ કે 10 લાખથી ઉપરની રકમ પર આવકવેરા વિભાગની નજર પડે છે.
કેમ બહાર આવ્યું કૌભાંડ?
સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા મહિનાઓથી એક જ પ્રકારના ખાતામાં 9-9 લાખના વ્યવહારો થતા હોવાથી બેંક સર્વેલન્સ સિસ્ટમમાં શંકા ગઈ હતી. તપાસમાં અનેક ખાતાધારકો એવા મળ્યા જેમને ખબર જ નહોતી કે તેમના ખાતામાં આટલી મોટી રકમ ક્યાંથી આવી. ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા આખું રેકેટ ખુલ્લું પડ્યું.
હાલમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આ કૌભાંડ માત્ર અમદાવાદ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાનું કાળું નાણું ધરાવતા મોટા માથાઓ પણ હોઈ શકે છે. કેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને કુલ કેટલા કરોડ રૂપિયા સફેદ કરવામાં આવ્યા છે, તેની તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે 2000 ની નોટ બંધ થયા પછી પણ તેનું કાળું બજાર હજુ સમાપ્ત થયું નથી. RBI ની સુવિધાનો દુરુપયોગ કરીને કાળા નાણાંને કાયદેસર બનાવવાનો આ નવો કીમિયો છે.
Sajjadali Nayani ✍
Friday World September 22,2026
#RBI2000NoteScam #BlackMoney #AhmedabadCrime #Demonsitization #RBI #GujaratNews #EDRaid #FinancialFraud #2000NoteBan #CommissionScam