ભાવનગર શહેરના વાઘાવાડી વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. એચડીએફસી બેંક પાસે બીએમસીના વોટર વિભાગ દ્વારા પાણીની લાઈન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન ભૂગર્ભમાં રહેલી એલપીજી ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતાં જ ભારે પ્રેશર સાથે ગેસનો લીકેજ શરૂ થયો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી, જે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને પણ સૂચિત કરવામાં આવ્યા હતા.
કંપનીના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેતાં ગેસનો પ્રવાહ બંધ કરી દીધો હતો અને તૂટેલી લાઈનનું સમારકામ શરૂ કરી દીધું હતું. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ગેસ સપ્લાય બંધ રાખવો પડ્યો હતો. સમયસર લેવાયેલા પગલાંને કારણે કોઈ જાનહાની થઈ નથી. હાલ તંત્ર દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.