ભારતીય ચલણની એક 100 રૂપિયાની નોટ વિદેશમાં હાલમાં થયેલી હરાજીમાં આશરે 56 લાખમાં વેચાઈ. તમને પણ એમ થતું હશે કે આખરે આ નોટમાં એવું તે શું હતું કે આટલા ઊંચા ભાવે વેચાઈ
લંડનમાં એક હરાજીમાં દુર્લભ 100 રૂપિયાની ભારતીય નોટ 56 લાખ રૂપિયામાં વેચાઈ હોવાનું કહેવાય છે. સંગ્રહકર્તાઓ અને ઇતિહાસપ્રેમીઓને આ વાત ચોંકાવી ગઈ. આખરે એવું તે શું હતું તે નોટમાં? હકીકતમાં આ નોટ “હજ નોટ”ના નામથી જાણીતી છે અને તેનો ઇતિહાસ 1950ના દાયકા સાથે જોડાયેલો છે. તે સમયે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તેને એવા ભારતીય તીર્થયાત્રીઓને આપી હતી જે ખાડી દેશોની યાત્રા પર જઈ રહ્યા હતા.
“હજ નોટ”નું ઐતિહાસિક મહત્વ આ નોટ જેનો સિરિયલ નંબર HA 078400 હતો તે ફક્ત એક કલેક્શન માટેની વસ્તુ નથી પરંતુ તે ભારતીય આર્થિક ઇતિહાસનો એક રસપ્રદ અંશ પણ છે. તે સમયે RBI એ આ નોટને ખાસ કરીને સોનાની ગેરકાયદેસર ખરીદીને રોકવા માટે બહાર પાડી હતી.
આ “હજ નોટ” ફક્ત ખાડી દેશો- સંયુક્ત અરબ અમીરાત (UAE), કતાર, બહરીન, કુવૈત અને ઓમાનમાં માન્ય હતી જેનાથી તે એક વિશેષ અને મર્યાદિત કાનૂની મુદ્રા બની ગઈ હતી.
1961માં થયો ફેરફાર 1961માં કુવૈતે પોતાની મુદ્રાની શરૂઆત કરી અને ત્યારબાદ અન્ય ખાડી દેશોએ પણ આ પગલું ભર્યું. જેના પરિણામ સ્વરૂપે “હજ નોટ્સ”નું ઉત્પાદન ધીરે ધીરે ઘટી ગયું અને 1970ના દાયકામાં તેનું નિર્માણ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું.
આજે આ નોટ કલેક્શન કરનારાઓ માટે મૂલ્યવાન વસ્તુ બની ગઈ છે. તેની દુર્લભતાની સાથે સાથે તેની વિશેષ્ટ વિશેષતાઓ પણ તેને મૂલ્યવાન બનાવી રહી છે.
“હજ નોટ”ની વિશેષતાઓ “હજ નોટ્સ”ની એક ખાસ વિશેષતા તેના સિરિયલ નંબરમાં "HA"નું પ્રિફિક્સ હતું, જે તેને સરળતાથી ઓળખ યોગ્ય બનાવતી હતી. આ નોટોનો રંગ પણ સામાન્ય ભારતીય ચલણ કરતા અલગ હતો. જેનાથી તેનું અનોખાપણું વધતું હતું. આવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે ભારતીય નોટોની હરાજીએ ચર્ચા જગાવી.