Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 31 January 2025

એકનાથ શિંદેને ગઢમાં ઝટકો આપવા ભાજપ તૈયાર, મંત્રી જનતા દરબાર યોજશે, તિરાડ વધી

એકનાથ શિંદેને ગઢમાં ઝટકો આપવા ભાજપ તૈયાર, મંત્રી જનતા દરબાર યોજશે, તિરાડ વધી
મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણેમાં પોતાનો જનાધાર વધારવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપના મંત્રી ગણેશ નાઇકે થાણેમાં કમળ ખિલવવાની વાતો કરતાં શિંદેની શિવસેનામાં ટેન્શન વધ્યું છે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતિ મળતાં જ મહાયુતિ ગઠબંધનના સમીકરણો બદલાયા છે. એકનાથ શિંદેનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. જેના લીધે અવારનવાર શિંદે જૂથ વિરોધ અને નારાજગી વ્યક્ત કરતું જોવા મળ્યું છે.

થાણેમાં જનતા દરબારનું આયોજન

શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે થાણેના પ્રભારી મંત્રી છે. તે થાણેના વિકાસ બાબતો અને જનહિત સંબંધિત નિર્ણયો લે છે. પરંતુ હવે ભાજપના પાલઘર જિલ્લાના મંત્રી ગણેશ નાઇક થાણેના લોકોને આકર્ષિત કરવા ત્યાં જનતા દરબાર યોજવા માગે છે. બુધવારે ગણેશ નાયકે કહ્યું કે, 'અમે ઇચ્છીએ છીએ કે, થાણેમાં કમળ ખીલે. સ્થાનિક લોકો મને મળી પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે છે. દર ત્રણ મહિને એક વખત થાણેમાં જનતા દરબારનું આયોજન થશે.'

શિંદેને નબળા પાડવાની ગેમ

મહારાષ્ટ્રમાં અગાઉ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ ભાજપે સરકાર રચાવી હતી. પરંતુ આ વખતે ભાજપને પ્રચંડ બહુમતિ મળતાં શિંદેસેના નબળી પડી છે. પૂર્વ મુખ્યમંત્રી શિંદેની મંત્રાલય, મંત્રી પદ સહિતની માગ ફગાવાઈ હતી. નાઇકની આ જાહેરાતથી શિવસેનાના કાર્યકરોએ જણાવ્યું કે, 'આ તમામ પ્રયાસો એકનાથ શિંદેને નબળા પાડવા માટે હાથ ધરાયા છે. પરંતુ અમે તેમને સફળ થવા દઈશું નહીં.'

મહારાષ્ટ્ર રાજકારણમાં ખેંચતાણ

મહારાષ્ટ્ર રાજકારણમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ખેંચતાણ વધ્યું છે. નાસિક અને રાયગઢના પ્રભારી મંત્રી પદે પસંદગી ન થતાં શિવસેના રોષમાં હતું. હવે એવામાં નાઇકની આ જાહેરાતથી શિવસેનાની નારાજગી વધી છે. પ્રવાસન મંત્રી શંભુરાજ દેસાઈએ ગણેશ નાઇકની જાહેરાતને યોગ્ય ઠેરવી હતી. જ્યારે શિંદેસેનાના સાંસદ નરેશ મ્હાસકેએ નિવેદન આપ્યું હતું કે, 'જો આમ બન્યું તો અમારા લોકો પાલઘરમાં જનતા દરબાર કરશે.'

મંત્રી આખા રાજ્યનો નેતાઃ બાવનકુલે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ નાઇકને સમર્થન આપતાં જણાવ્યું છે કે, 'જે વિસ્તારોમાં પ્રભારી મંત્રી નથી, ત્યાં પક્ષ મંત્રીઓને દોડાવી રહી છે. આથી જનતાના હિતમાં કામો થઈ શકે. એક મંત્રી આખા રાજ્યનો નેતા હોય છે. અમે અમારા મંત્રીઓને સંપર્ક મંત્રી તરીકે તેનાત કરી રહ્યા છીએ. જ્યાં સહયોગી પક્ષ પ્રભારી છે. જેનાથી લોકોને ફાયદો થશે અને કામ સરળતાથી થશે.