એન્ટી કરપ્શન બ્યૂરોના દરોડામાં લોક નિર્માણ વિભાગ (PWD) એન્જિનિયર દીપક કુમાર મિત્તલ અબજપતિ નીકળ્યો. તપાસ એજન્સીએ અત્યાર સુધી મિત્તલની કમાણી કરતાં 205 ટકા વધુ સંપત્તિની જાણકારી મેળવી છે. જોધપુર, જયપુર, ઉદયપુર અને હરિયાણાના ફરીદાબાદ સ્થિત મિત્તલના છ ઠેકાણાથી 17 પ્લોટ સિવાય 50 લાખ રૂપિયા રોકડ મળી છે.
એન્ટી કરપ્શન બ્યૂરોને ઈનપુટ મળ્યું હતું કે XEN દીપક કુમાર મિત્તલ નિશ્ચિંત થઈને લાંચ લે છે. આ વાતની પુષ્ટિ કર્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ દીપક કુમાર મિત્તલ વિરુદ્ધ ઓપરેશન નિશ્ચિંત લોન્ચ કર્યું. જ્યારે એન્ટી કરપ્શન બ્યૂરોને એ સમાચાર મળ્યા કે આજે દીપક કુમારની પાસે લાંચના 50 લાખ રૂપિયા રોકડા પહોંચ્યા છે અને તે બે દિવસની અંદર જમીનોમાં રોકાણ કરવાનો છે. એસીબીએ એન્જિનિયરના ઠેકાણા પર દરોડા પાડ્યા.
XEN નજીક અત્યાર સુધી 5 કરોડથી વધુની સંપત્તિનો ખુલાસો થયો છે. હવે તેના ત્રણ બેન્ક લોકર્સ ખોલવામાં આવશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે પોતાના સગા-વ્હાલાના નામે એન્જિનિયરે ભારે બેનામી મિલકત પણ ખરીદી છે. દરમિયાન સગા-વ્હાલાની આવક વિશે પણ જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે.
આરોપી એન્જિનિયરનો પુત્ર ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એમબીબીએસ કરી રહ્યો છે. તો પુત્રી રાજસ્થાનના જ ચુરૂથી એમડી કરી રહી છે. આરોપી જે-જે શહેરોમાં રહ્યો છે, ત્યાં તેણે પોતાની સંપત્તિ બનાવી છે. જયપુરમાં એક કરોડથી વધુની કિંમતના ચાર પ્લોટ, ઉદયપુરમાં 1.50 કરોડની કિંમતથી વધુના દસ પ્લોટ, બ્યાવર અને અજમેરમાં લાખોની કિંમતના ત્રણ પ્લોટ મળ્યા છે.
જયપુરના બરકત નગર સ્થિત ઘરથી 50 લાખ રૂપિયા રોકડા, અડધો કિલો સોનું અને દોઢ કિલો ચાંદી મળ્યા છે. આરોપી એન્જિનિયરની પાસે 18 બેન્ક ખાતા છે. જેમાં લગભગ 40 લાખ રૂપિયા જમા છે. મ્યુચ્યુઅલ ફંડમાં 50 લાખ રૂપિયાનું રોકાણ છે. એસીબીના ડીજી રવિ પ્રકાશ મેહરાડે જણાવ્યું કે ઈનપુટ પર ગોપનીય તપાસ કરવામાં આવી હતી. હજુ કાર્યવાહી ચાલુ છે. જેમાં ઘણી સંપત્તિઓની જાણકારી મળવાનું ચાલુ છે.