મેક્સિકોમાં મોટી દુર્ઘટના ઘટી છે. દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અને બસ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 41 લોકોના મોત થઈ ગયા છે. હવે મેક્સિકોના ટાબાસ્કો રાજ્યની સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 48 મુસાફરોને લઈને જઈ રહેલી બસની એક ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી. બસ કેનકનથી ટાબાસ્કો આવી રહી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 38 મુસાફરો અને બે ડ્રાઈવરોના મોત થઈ ગયા છે. આ સાથે જ ટ્રકના ડ્રાઈવરનું પણ મોત થઈ ગયું છે. આ ભયાનક માર્ગ અકસ્માત બાદ બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને આગમાં 41 લોકો જીવતા ભૂંજાયા છે.
આ અકસ્માત શનિવારે સવારે એસ્કાર્સેગા શહેર નજીક સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘાયલ મુસાફરોના જીવ ખતરામાંથી બહાર છે.
કંપનીએ દુ:ખ વ્યકત કર્યું
આગ ઓલવાઈ ગયા બાદ માત્ર બસના ફ્રેમના અવશેષો જ બચ્યા હતા.ટાબાસ્કોના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 38 મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માતગ્રસ્ત બસમાંથી પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. બસ ઓપરેટર ટુર્સ એકોસ્ટાએ ફેસબુક પર એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી અને કહ્યું કે 'જે બન્યું તેના માટે અમે ખૂબ જ દુ:ખી છીએ.' આ સાથે જ ટુર્સ એકોસ્ટાએ એમ પણ કહ્યું કે, 'અમે અધિકારીઓ સાથે મળીને એ જાણવા માટે કામ કરી રહ્યા છીએ કે, અકસ્માત પાછળના કારણો શું હતા અને અકસ્માત થયો ત્યારે બસની ગતિ કેટલી હતી? અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'
બસ ઓપરેટર એકોસ્ટાએ આગળ જણાવ્યું કે, 'અકસ્માતનો ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવશે. અમે મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. કંપની શોકગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.'