સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાવનાર મહિલા અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટર મહેશ અમીચંદ પટેલ વચ્ચે આજે શનિવારે જાહેરમાં તકરાર બાદ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પરંતુ ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ નોંધાયેલા શિરોહી અને જોધપુરમાં નોંધાયેલા ગુનામાં મહેશ પટેલ આરોપી હોવાથી કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાના ડરથી સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
દુષ્કર્મ પીડિતા અને પોક્સો એક્ટ ગુનાના આરોપી વચ્ચે ઝપાઝપી
અમદાવાદની મહિલાએ સાબરકાંઠાના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધમાં ગાંધીનગર સેક્ટર 21માં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આજે શનિવારે અમદાવાદના નવરંગપુરામાં રાજકોટ નાગરિક સહકારી બેંકમાં યોજાનારા એક કાર્યક્રમમાં ગજેન્દ્રસિંહ ચોક્કસ નંબરની કારમાં આવવાનો હોવાની દુષ્કર્મ પીડિતાને માહિતી મળી હતી. એટલે મહિલા ત્યાં પહોંચી હતી. જ્યારે કારમાં સાબરકાંઠા બેંકના ડિરેક્ટર મહેશ અમીચંદ પટેલ કાર્યક્રમમાં આવે છે, ત્યારે મહિલાએ ગજેન્દ્રસિંહને ભગાડી દેવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મહિલા અને મહેશ પટેલ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી અને પછી બંને વચ્ચે ઝપાઝપી થતા મહિલાએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.
સમગ્ર ઘટના મામલે મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે મહેશ પટેલ નવરંગપુરા પોલીસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ મહેશ પટેલ વિરૂદ્ધ રાજસ્થાનના શિરોહી અને જોધપુરમાં પોક્સો એક્ટ સહિતના ગુના નોંધાયા હોવાથી વધુ કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.