અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાને યુક્રેનના 500 બિલિયન યુએસ ડૉલરના મહત્ત્વપૂર્ણ ખનિજોના રિઝર્વ આપી દેવાનો પ્રસ્તાવ નકાર્યા બાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી કહ્યું કે તેઓ 'પોતાનું રાજ્ય નહીં વેચે.'
યુક્રેન પાસે દુર્લભ ખનિજોનો મોટો ભંડાર છે. જોકે, હાલ યુક્રેનનાં આ ક્ષેત્રો રશિયન સૈન્યના કબજામાં છે.
ટ્રમ્પે કહ્યું છે કે રશિયા વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકન સહાય ચાલુ રહે એ માટે આ ક્ષેત્રો અમેરિકાને સોંપી દેવાય.
ઝેલેન્સ્કીએ કહ્યું, "આ કોઈ ગંભીર ચર્ચા નથી. હું અમારું રાજ્ય ન વેચી શકું."
કયાં છે આ દુર્લભ ખનિજ?
'રેર અર્થ' મિનરલ્સ એ કેમિકલની દૃષ્ટિએ સમાનતા ધરાવતાં એવાં 17 તત્ત્વોના સમૂહ માટે પ્રયોજાતો શબ્દ છે. આ તત્ત્વો આધુનિક ટેકનોલૉજી અને ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.
આ તત્ત્વો સ્માર્ટફોન, કમ્પ્યુટર, મેડિકલ સાધનો અને અન્ય વસ્તુઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આમાં Sc - સ્કેન્ડિયમ, Y - યિટ્રિયમ, La – લેંથેનમ, Ce – સિરિયમ, Pr – પ્રેસિઓડાયમિયમ, Nd – નિયોડાયમિયમ, Pm – પ્રોમિથિયમ, Sm – સમેરિયમ, Eu – યુરોપિયમ, Gd – ગેડોલિનિયમ, Tb – ટર્બિયમ, Dy – ડિસ્પ્રોસિયમ, Ho – હોમિયમ, Er – એરબિયમ, Tm – થુલિયમ, Yb – યેટેરબિયમ, Lu – લ્યુટેટિયમ.
આ તત્ત્વો એટલાં માટે 'દુર્લભ' મનાય છે કે તે ભાગ્યે જ ચોખ્ખી અવસ્થામાં મળી આવે છે. આખા વિશ્વમાં થોડા ઘણા અંશે આ બધાં તત્ત્વોના ભંડાર છે.
જોકે, આ તત્ત્વોને રેડિયોઍક્ટિવ તત્ત્વો થ્રોમિયમ અને યુરેનિયમ સાથે મળી આવે છે, તેને અલગ પાડવા માટે ભારે પ્રમાણમાં ઝેરી કેમિકલનો ઉપયોગ કરાય છે, જેના કારણે આ પ્રક્રિયા ઘણી વાર મુશ્કેલ અને મોંઘી બની જાય છે.
યુરોપિયન યુનિયન (ઇયુ) જેને "મહત્ત્વપૂર્ણ કાચો માલ" ગણાવે છે તેવાં 30 તત્ત્વોમાંથી યુક્રેનમાં 21 મળી આવે છે, જે વિશ્વમાં આના કુલ જથ્થાના પાંચ ટકા છે.
આ ખનિજસંપત્તિવાળા મોટા ભાગના વિસ્તારો મોટા ભાગે એઝોવ સમુદ્રની નીચે યુક્રેનિયન ક્રિસ્ટલાઇન શિલ્ડના દક્ષિણમાં છે.
જોકે, મિડલ બુઝની સાથોસાથ કીએવ, વિનિત્સિયા અને ઝીતોમીર ક્ષેત્રો પણ આશાસ્પદ મનાય છે.
નિષ્ણાતો કહે છે કે આવી ઘણી ભૌતિક વસ્તુઓની ઓળખ થઈ છે, પરંતુ એમાંથી માત્ર થોડી જ વસ્તુઓ ભંડાર બની શકે અને એ પણ ત્યારે જ જ્યારે તેનો વિકાસ આર્થિક રીતે શક્ય ગણી શકાય તો.
બૅન્ચમાર્ક મિનરલ ઇન્ટેલિજન્સમાં બૅટરી રૉ મટીરિયલ્સના વડા ઍડમ વેબ જણાવે છે કે, "જાહેર કરાયેલા અંદાજ એ ઘણીખરી હદે અંદાજ જ છે."
"આ ખનિજભંડારો આર્થિક ભંડાર છે એ સાબિત કરવા માટે ઘણું કરવું પડશે."
ફૉર્બ્સ યુક્રેન અનુસાર યુક્રેનનાં અન્ય મહત્ત્વપૂર્ણ ખનિજ સંસાધનોમાંથી 70 ટકા દોનેત્સ્ક, દ્નિપ્રોપેત્રોવ્સ્ક અને લુહાન્સ્ક ક્ષેત્રોમાં આવેલાં છે. તેથી આ પૈકી ઘણાં ક્ષેત્રો હાલ યુદ્ધગ્રસ્ત વિસ્તાર અને રશિયન કબજામાં છે.
'રેર અર્થ' મિનરલ્સ સિવાય યુક્રેન પાસે જેને મહત્ત્વપૂર્ણ તત્ત્વો કહેવાય એવી ખનિજસંપત્તિ પણ છે.
યુક્રેન સરકાર અનુસાર દેશ પાસે 4.5 લાખ ટન લિથિયમનો ભંડાર છે. જોકે, ત્યાં આ તત્ત્વ માટે ખાણકામ નથી ચાલી રહ્યું, પરંતુ તે શરૂ કરવા માટેની યોજના છે ખરી.
રશિયાએ લિથિયમના ઓછામાં ઓછા બે ભંડાર, દોનેત્સ્ક ક્ષેત્રમાં શેવશેનકિવસ્ક અને બેર્ડિઆન્સ્ક ક્ષેત્રમાં ક્રૂતા બાલ્કા કૉમ્પ્લેક્સ, કબજે કર્યા છે.
જોકે, કિરોવોહ્રાદ ક્ષેત્રનો ભંડાર હજુ યુક્રેનના કબજામાં છે.
આ દુર્લભ ખનિજતત્ત્વો અને કદાચ મહત્ત્વપૂર્ણ તત્ત્વોમાં અમેરિકાનો રસ એ મોટા ભાગે ચીનની સ્પર્ધાને કારણે છે. ચીન હાલ આ તત્ત્વોના વૈશ્વિક પુરવઠામાં દબદબો ધરાવે છે.
પાછલા અમુક દાયકાથી વધુ સમયથી ચીન દુર્લભ 'પૃ્થ્વી તત્ત્વો'ના ખાણકામ અને પ્રોસેસિંગમાં વિશ્વ કક્ષાએ લીડર બની ગયું છે. આ તત્ત્વોના વૈશ્વિક પ્રોડક્શનના 60-70 ટકા અને 90 ટકા પ્રોસેસિંગ કૅપેસિટી પર ચીનનો કબજો છે.
આ તત્ત્વો માટે અમેરિકાનો ચીન પરનો આધાર ટ્રમ્પ વહીવટી તંત્ર માટે રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર બંને બાબતોમાં ચિંતાજનક હોઈ શકે છે,
આ તત્ત્વો ઇલેક્ટ્રિક કાર્સથી માંડીને સૈન્ય સાધનો સુધીની ટેકનોલૉજી માટે જરૂરી છે.