Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 10 May 2025

વરવી વાસ્તવિકતા: અમદાવાદમાં 1500થી વધુની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા

વરવી વાસ્તવિકતા: અમદાવાદમાં 1500થી વધુની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા
'નલ સે જલ' અને દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સરકાર અને સ્થાનિક તંત્ર પ્રજા સુધી પીવાનું પાણી પણ પહોંચાડી શકતી નથી. આઝાદીના સમયમાં નહીં પણ ઔદ્યોગિક રીતે સૌથી સમૃદ્ધ ગુજરાતમાં આ સ્થિતિ વિકાસની વાતોને પોકળ પુરવાર કરી રહી છે. 

પીવાના પાણીના પણ ફાંફા

સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ શરૂ કરાયો હતો. વર્ષ-2001 પછી પ્રોજેકટની કામગીરી માટે નદી કાંઠા ઉપર ઝૂંપડા બાંધી રહેતા લોકોને પીરાણા નજીક આવેલા ગણેશનગર ખાતે વસાહતમાં આવાસની ફાળવણી કરાઈ હતી. હાલમાં આ સ્થળે 1500થી વધુ લોકો રહે છે. જેમને પીવાના પાણી મેળવવાના પણ ફાંફા છે. લાંબા સમયથી આ લોકોને પીવાનુ પાણી પુરું પાડતો બોર બંધ પડતા ટેન્કરથી પાણી આપવામાં આવે છે. લાભના કામ કવોટેશનથી આપતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો આ રહેવાસીઓ માટે નવો બોર બનાવવા હજુ સુધી મંજૂરી આપી શકયા નથી. 

પાણી માટે પડાપડી

પીરાણા નજીક ગણેશનગર ખાતે એક સમયે અંદાજે 170 લોકોને આવાસ ફળવાયા હતા. સમય જતા આ સ્થળે મ્યુનિસિપલ તંત્રની રહેમનજર હેઠળ મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે. નલ સે જલ જેવી યોજના થકી દરેક ઘરમાં પાણી પહોંચાડવાની ગુલબાંગ હાંકતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને ગણેશનગર જેવી વસાહતમાં રહેતા લોકોને પીવાનું પાણી મળી રહે એ બાબતમાં કોઈ રસ દેખાતો નથી તેથી ટેન્કરથી પાણી પુરૂ પડાઈ રહયુ છે . અહીં ટેન્કર આવતા જ રોજ પાણી મેળવવા માટે પડાપડી થતાં ઝઘડા થાય છે. અનેક લોકો બહારથી પાણી લાવીને વાપરી રહયા છે. વસાહતમાં રહેતા લોકોને ગટર અને પાણી જેવી સગવડ પણ મળી રહી નથી. પાણી મેળવવા ટેન્કર આવતા જ બાળકો સહિત સમગ્ર પરિવાર પાણી ભરવા ટેન્કર આસપાસ ગોઠવાઈ જાય છે.