અબજોના ખર્ચે ખરીદેલા વિમાનનો ભારતીય શસ્ત્ર પ્રણાલી-રડાર-સેટેલાઈટ લીંક માટે જરૂરી: સોર્સ-કોડ આપવા ફ્રાન્સે ઈન્કાર કર્યો
ઓપરેશન સિંદુર અને પાક સાથેના હવાઈ યુદ્ધ સાથે ભારતની સેન્ય ક્ષમતાનું પ્રદર્શન થયુ છે અને વિશ્ર્વભરમાં તેની પ્રશંસા થઈ રહી છે તે સાથે ભારત હવે ભવિષ્યના પૂર્ણ અને વધુ મિલ્કત સંભવીત પાકિસ્તાન અને ચીન બન્ને સાથે એક જ સમયે યુદ્ધમાં જોડાવું પડે તો તે માટેની સૈન્ય તાકાત માટે પણ ચિંતન શરૂ કર્યુ છે.
ઓપરેશન સિંદુરમાં ભારતની આત્મનિર્ભર સૈન્ય સંસાધનોના ઉત્પાદનોની જે ક્ષમતા છે તે પણ પ્રદર્શિત થઈ છે તે સમયે ભવિષ્યમાં વધુને વધુ મેઈડ ઈન ઈન્ડીયા શસ્ત્રો લડાયક વિમાનોના મિસાઈલ વિ.નું પણ ઘરઆંગણે ઉત્પાદન કરાશે. આ વચ્ચે એ પણ સંકેત છે કે ભારત હવે ફ્રાન્સ સાથેનો રાફેલ-મરીન-વિમાનો ખરીદવા જે સોદો કર્યો હતો તે પણ રદ કરે તેવા સંકેત છે અને તેના બદલે રશિયા પાસેથી એસયુ-57 વિમાન ખરીદવાનો વિકલ્પ અજમાવી શકે છે.
ભારતે અગાઉ ફ્રાન્સ પાસેથી હવાઈદળ માટે 36 રાફેલ વિમાનો ખરીદ્યા છે જે હાલ એરફોર્સમાં સામેલ છે પણ ફ્રાન્સ અને રાફેલ ઉત્પાદક કંપની દસોલ્ટ એવીએશન એ આ લડાયક વિમાનના ‘સોર્સ-કોડ’ ભારતને આપવાનો ઈન્કાર કર્યો છે.
તેથીજ હવે રાફેલ મરીન નહી આપવા નિર્ણય લેવાશે. આ સોર્સ-કોડ વિમાનની લડાયક ક્ષમતા માટે મહત્વનો છે. જેના આધારે ભવિષ્યમાં ભારત તેના જ સ્વદેશી મિસાઈલ પણ રાફેલમાં સામેલ કરી શકે છે. ફ્રાન્સ આ સોર્સ-કોડ ભારતને આપવા તૈયાર નથી અને તેથી હવે ભારતના ટેસ્ટેડ ફ્રેન્ડ રશિયા પર ભરોસો મુકવા તૈયારી છે. અગાઉ ફ્રાન્સે ભારતના લડાયક વિમાનના ઉત્પાદનમાં ‘કાવેરી’ એન્જીન માટે પણ ટેકનોલોજી સપોર્ટ આપવાનો ઈન્કાર કર્યો હતો જે હવે રશિયાના સહયોગની તૈયારી કરવામાં આવી રહ્યું છે.
રાફેલ વિમાનના ‘સોર્સ-કોડ’ એટલા માટે મહત્વના છે કે કોઈપણ હથિયાર પ્રણાલી જેમકે ફાઈટર જેટના મિસાઈલ કે રડારના મૂળ સોફટવેર પ્રોગ્રામીંગ કોડ છે. જેનાથી તે ઓપરેટ થાય છે અને તે લડાયક વિમાનનો ‘આત્મા’ ગણાય છે. જો રાફેલના સોર્સ-કોડ મળે તો ભારત તેના સ્વદેશી હથિયારો આ આધુનિક વિમાનમાં ફીટ કરી શકે છે.
ભારત રડાર-સેટેલાઈટ-નેટવર્ક તે લીંક કરી શકે છે અને ભવિષ્યમાં તે અપગ્રેડ પણ કરી શકે છે. જો આ સોર્સ-કોડ ન મળે તો ભારતે રાફેલમાં ફ્રાન્સીસીજ હથિયારોનો ઉપયોગ કરવો પડે તે ફરજીયાત બની જાય અને જો યુદ્ધ સમયે આ પ્રકારે સપ્લાય ન થાય તો રાફેલ વિમાનનો કોઈ ઉપયોગ જ રહે નહી. બીજી તરફ રશિયાએ ભારત સાથે ફિફથ-સિકસ-જનરેશન ફાઈટર વિમાન બનાવવા સંયુક્ત રીતે કામ કરવા તૈયારી છે. બ્રહ્મોસ મિસાઈલના નિર્માણમાં રશિયાની પણ મોટી ભૂમિકા છે. જેમાં એસ-યુ-57 લડાયક વિમાનનું ભારતમાંજ ઉત્પાદન કરવાની ઓફર છે.