13 જૂનના રોજ વહેલી સવારે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું અને ઈરાનના લશ્કરી ઠેકાણા અને પરમાણુ કેન્દ્રો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા. જવાબમાં, ઈરાને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો. એવામાં આજે આ બંને દેશ વચ્ચે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે અમેરિકા પણ ઈઝરાયલ સાથે ઈરાન સામેના આ અભિયાનમાં જોડાઈ શકે છે. જો આવું થાય, તો આ યુદ્ધ ભયંકર સ્વરૂપ લઈ શકે છે કારણ કે ચીન પણ ઈરાનને મદદ કરવા તૈયાર છે.
શું ચીન ઈરાનને મદદ કરી રહ્યું છે?
આ દરમિયાન, સમાચાર એવા પણ આવ્યા છે કે શુક્રવારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો કે તરત જ, એક કાર્ગો વિમાને ચીનથી ઉડાન ભરી. બીજા દિવસે, બીજા કાર્ગો વિમાને દરિયાકાંઠાના શહેરથી ઉડાન ભરી અને સોમવારે ત્રીજું કાર્ગો વિમાન ચીનથી રવાના થયું. એટલે કે, ત્રણ દિવસમાં, ત્રણ કાર્ગો વિમાનો ઉડાન ભરીને રહસ્યમય રીતે ઇરાનમાં ઉતર્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગો વિમાનો દ્વારા શસ્ત્રો મોકલીને, ચીને તેના મિત્ર ઈરાનને લશ્કરી રીતે મદદ કરી છે.
ઈરાનની નજીક પહોંચતા જ ચીની વિમાન રડાર પરથી ગાયબ થઈ ગયું
મીડિયા અહેવાલ મુજબ, તે કાર્ગો વિમાનોના ડેટા દર્શાવે છે કે ત્રણેય વિમાનો ઉત્તર ચીનથી પશ્ચિમ તરફ, કઝાકિસ્તાન, પછી ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન થઈને દક્ષિણ તરફ ઉડાન ભરી હતી અને ઈરાન નજીક આવતા હોય તેવું લાગ્યું, પરંતુ ઈરાન નજીક આવતાની સાથે જ આ કાર્ગો વિમાન રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયા.