સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે એક દુ:ખદ ઘટના બની, જ્યાં સિંહે પાંચ વર્ષના માસૂમ બાળક ગુલસિંગ હરિલાલ અજનેરાને ફાડી ખાધો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર સાથે થોરડીની સીમ વિસ્તારમાં રહેતા ગુલસિંગને સિંહે પરિવાર વચ્ચેથી ખેંચી લઈ ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસ દરમિયાન બાળકની માત્ર ખોપરી જ મળી આવી, જેને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વન વિભાગની ગીર પૂર્વ અને શેત્રુંજી વન વિભાગની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી, હુમલો કરનાર સિંહને ટ્રેન્ક્યુલાઈઝરની મદદથી નિષ્ક્રિય કરી ગણતરીના કલાકોમાં પાંજરે પૂર્યો.
આ ઘટનાથી પરિવાર શોકમગ્ન છે, અને વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગે સિંહને એનિમલ રેસ્ક્યૂ સેન્ટરમાં ખસેડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.