વડોદરાના કરજણમાં 1.77 કરોડ રૂપિયાના દારૂના ટેન્કર કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલ સાજણ વિરાભાઇ વસરા (આહિર)ની સંડોવણી બહાર આવી છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. સાજણ આહિર પર આરોપ છે કે તેણે ભરૂચ ખાતે ટેન્કરને કાયદેસર કાર્યવાહીથી બચાવવા 15 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ ઘટના ગુજરાતમાં પહેલી છે, જ્યાં પોલીસ જવાન સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધાયો છે. ગત રવિવારે રાત્રે, વડોદરા ગ્રામ્ય LCBને મળેલી બાતમીના આધારે કરજણ તાલુકાના સાંપા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું. ટેન્કરના ડ્રાઇવર ફગલુરામ ઉમારામ જાટ (રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી, અને કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન એસ.એમ.સી.ને જાણકારી મળી કે સાજણ આહિરે ટેન્કરને રોકવા અને કાર્યવાહી ન કરવા માટે 15 લાખની લાંચ લીધી હતી. સાજણ આહિરે પોતાની સંડોવણી છુપાવવા મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી 23 જુલાઈથી ગેરહાજર રહ્યો હતો. એસ.એમ.સી.ની ટીમે તેને ઝડપી પૂછપરછ કરતાં તેની સંડોવણી સાબિત થઈ. હાલ તેને કરજણ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી બનાવી વડોદરા ગ્રામ્ય પોલીસને તપાસ માટે સોંપવામાં આવ્યો છે. આ કેસમાં મોટા માથાંની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.
વડોદરામાં 1.77 કરોડના દારૂ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સાજણ આહિરની ધરપકડ, 15 લાખની લાંચ લેવાનો આરોપ