Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 6 February 2026

વડોદરામાં BJP નેતાનો મોટો ખેલ: 3 કરોડની રોકાણ લાલચમાં ઠગાઈ, "હવે પૈસા મળવાના નથી... થાય એ કરી લો!" એવી ધમકી સુધ્ધાં આપી!

વડોદરામાં BJP નેતાનો મોટો ખેલ: 3 કરોડની રોકાણ લાલચમાં ઠગાઈ, "હવે પૈસા મળવાના નથી... થાય એ કરી લો!" એવી ધમકી સુધ્ધાં આપી!
-Friday world 6/2/2026
વડોદરા: રાજકીય વર્તુળમાં હલચલ મચાવી દેનારી એક સંવેદનશીલ ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈઓ અને પુત્ર સહિત પાંચ જણ સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં 3 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં આરોપીઓએ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ઊંચા વળતરની લાલચ આપીને વેપારી પરિવારને લાખોની રકમ ચૂંટી લીધી હોવાનો આક્ષેપ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે અને ભાજપ વર્તુળમાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

 ફરિયાદી દર્શિતભાઈ કમલેશભાઈ શાહ (ઉંમર 42 વર્ષ), જે અમિત નગર સર્કલ પાસે મંગલ પાર્ક સોસાયટીમાં રહે છે, તેમણે પોલીસને જણાવ્યું કે ડિસેમ્બર 2023માં સુરેશભાઈ પાનસુરીયાએ હરણી સમા લિંક રોડ પર આવેલા 'શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ' અને 'શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ' નામના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમણે શરૂઆતમાં 1.5 ટકા માસિક વળતર અને પછી 2 ટકા સુધીનું વળતર આપવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત પ્રોપર્ટીને સિક્યોરિટી તરીકે આપવાનું પણ કહ્યું હતું. 

આ વિશ્વાસ પર દર્શિતભાઈ અને તેમના પિતા કમલેશભાઈ શાહે કુલ 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. બદલામાં તેમના નામે 6 મિલ્કતો (ફ્લેટ અને દુકાનો)ના રજિસ્ટર્ડ બાનાખત કરાવવામાં આવ્યા. શરૂઆતના સમયગાળા દરમિયાન ફેબ્રુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધી માસિક 1.5થી 2 ટકા વળતર રોકડ કે બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ જાન્યુઆરી 2025થી વળતર સંપૂર્ણપણે બંધ થઈ ગયું. 

દર્શિતભાઈએ વારંવાર પૂછપરછ કરી તો આરોપીઓએ રિયલ એસ્ટેટમાં તકલીફનું બહાનું કાઢ્યું અને પૈસા પરત ચૂકવવાનો ભરોસો આપ્યો, પરંતુ કોઈ રકમ મળી નહીં. આ દરમિયાન દર્શિતભાઈના પિતાને લીવર કેન્સરની ગંભીર બીમારી થઈ અને સારવાર માટે રકમની તાત્કાલિક જરૂર પડી, તો પણ આરોપીઓએ પૈસા પરત ન કર્યા. આ ઉપરાંત આપેલા ચેકો બેંકમાં બાઉન્સ થયા. 

સપ્ટેમ્બર 2025માં આરોપીઓએ ઓફિસમાં બોલાવીને અસભ્ય વર્તન કર્યું અને ધમકીઓ આપી: "તમને અને તમારા પરિવારને જોઈ લઈશું... તમે પોલીસ ફરિયાદ કરી છે, હવે રૂપિયા મળવાના નથી... થાય એ કરી લો!" આ ધમકીઓએ ફરિયાદી પરિવારને વધુ ભયભીત કરી દીધો. 

તપાસમાં બહાર આવ્યું કે પ્રોજેક્ટમાં બાંધકામ અધૂરું છે અને બાનાખતવાળી મિલ્કતો પર પહેલેથી જ બેંક લોન લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આમ, રોકાણકારોને ન તો વળતર મળ્યું અને ન તો મિલ્કતોનો કબજો.

 આ કેસમાં વધુ એક રસપ્રદ વળાંક એ છે કે આરોપી સુરેશ પાનસુરીયાના પુત્ર રવિ પાનસુરીયા 31 ડિસેમ્બર 2025ના રોજ સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો હતો, જેનાથી આખી ઘટના વધુ ગંભીર બની છે. પોલીસ તેની તપાસ પણ કરી રહી છે. 

હરણી પોલીસે IPCની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલો રાજકીય અને આર્થિક બંને સ્તરે ચર્ચામાં છે, કારણ કે તેમાં એક ભાજપ નેતાના પરિવારનો સંડોવાયો છે. રોકાણકારો માટે આ ઘટના એક મોટી ચેતવણી છે કે ઊંચા વળતરની લાલચમાં રોકાણ કરતા પહેલાં બધી તપાસ કરવી જરૂરી છે.

Sajjadali Nayani ✍ 
Friday world 6/2/2026