- Friday World 23 Aug 2026
મહેસાણા - મહેસાણામાં એક ડોક્ટર યુવતીના આંતરજ્ઞાતિય લવ મેરેજના મામલે હવે સમગ્ર મામલો સામાજિક આંદોલનમાં ફેરવાઈ ગયો છે. પાલનપુરની પટેલ સમાજની ડોક્ટર યુવતી ચાંદની પટેલ અને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા દલિત સમાજના ડોક્ટર સ્મિત પરમારે 4 મહિના પહેલા પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ કર્યા હતા. આ લગ્ન બાદ શરૂ થયેલો પારિવારિક વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી મુજબ, 18 ઓગસ્ટના રોજ બપોરના સમયે ચાંદની તેના સાસરીમાં સાસુ સાથે હાજર હતી. તે સમયે તેના પિતા જિતેન્દ્ર પટેલ, માતા નીતાબેન અને કાકા નરેશભાઈ સહિતના પરિવારજનો બે કારમાં ત્યાં પહોંચ્યા હતા. આરોપ છે કે માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને તેઓ ઘરમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ચાંદનીને વાળ પકડીને બળજબરીથી ઢસડીને કારમાં નાખી અપહરણ કરીને લઈ ગયા. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ ડો. સ્મિતની માતાએ મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પરંતુ બીજી તરફ આ મામલે નવો વળાંક આવ્યો છે.
પાટીદાર સમાજ કેમ મેદાને આવ્યો?
આ કેસમાં પોલીસે ચાંદનીની માતા નીતાબેન અને અન્ય 8 લોકોની અટકાયત કરી હોવાના સમાચાર વહેતા થતા જ પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS), સરદાર પટેલ ગ્રુપ (SPG), વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ખોડલધામ સહિતની સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા.
પાટીદાર અગ્રણી સતિષ પટેલે આક્ષેપ કર્યો હતો કે, યુવતી ઘરેથી ભાગી જતા તેનો પરિવાર તેને માત્ર સમજાવવા ગયો હતો. પરંતુ સામા પક્ષે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. નીતાબેન પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો અને તેમને બંધક બનાવવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે અને સામા પક્ષના દબાણમાં આવીને ખોટી રીતે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને ઈજાગ્રસ્ત માતા સહિત 9 લોકોને જેલમાં ધકેલી દીધા છે.
આગેવાનોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે પોલીસ કસ્ટડીમાં ઈજાગ્રસ્ત મહિલાને યોગ્ય સારવાર અને ભોજન પણ આપવામાં આવ્યું નથી.
પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજના લોકોના આક્રમક તેવરને જોતા માહોલ તંગ બની ગયો હતો અને પોલીસે તે દિવસનો લોક દરબાર પણ રદ કરવો પડ્યો હતો.
પાટીદાર સમાજની માંગ અને ચીમકી
પાટીદાર સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ સ્પષ્ટ માંગ મૂકી છે કે:
1. પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ અને બંને પક્ષને સમાન ન્યાય આપવો જોઈએ.
2. ખોટી રીતે નોંધવામાં આવેલી અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ રદ કરવી જોઈએ.
3. ચાંદનીની માતા પર હુમલો કરનાર સાચા આરોપીઓ સામે તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ.
જો તાત્કાલિક આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હાલ પોલીસે મામલો શાંત પાડવા બંને પક્ષની ફરિયાદોની તટસ્થ તપાસની ખાતરી આપી છે.
આ ઘટનાએ ફરી એકવાર પ્રેમલગ્ન અને જ્ઞાતિવાદના મુદ્દે ગુજરાતમાં ચર્ચા જગાવી છે.
Sajjadali Nayani ✍
Friday World 23 Aug 2026
#MehsanaNews #PatidarSamaj #LoveMarriage #IntercasteMarriage #GujaratNews #MehsanaPolice #PatidarAndolan #DalitDoctor #GujaratCrime #SocialJustice