- Friday World 31 Aug 2026
ગુજરાતના રાજકારણમાં હાલ એક નવી જ ચર્ચાએ જોર પકડ્યું છે. જનતાના કામ કરવાને બદલે સોશિયલ મીડિયા પર દિવસ-રાત રીલ્સ બનાવવામાં વ્યસ્ત રહેતા મંત્રીઓને હવે ડિજિટલ દુનિયામાં જ મોટો ઝટકો લાગ્યો છે. કહેવાય છે કે પ્રજા બધું જુએ છે, અને હવે એજ પ્રજાએ મંત્રીઓને તેમના મોબાઈલમાં જ જવાબ આપવાનું શરૂ કર્યું છે.
સચિવાલયના એસી ચેમ્બરમાં બેસીને મોંઘા કેમેરા, લાઈટ, અને પ્રોફેશનલ પીઆર ટીમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરીને પોતાને હીરો તરીકે રજૂ કરતા મંત્રીઓની સોશિયલ મીડિયા પરની ચમક હવે ઝાંખી પડી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં એટલે કે એપ્રિલ-2026 થી ઓગસ્ટ-2026 વચ્ચે અનેક મંત્રીઓના ફોલોઅર્સમાં ધરખમ ઘટાડો નોંધાયો હોવાની ચર્ચા છે, જેને કારણે ગાંધીનગરના સત્તાના ગલિયારાઓથી લઈને કમલમ સુધી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કયા મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા? ચોંકાવનારા આંકડા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ડેટા મુજબ:
ઇન્સ્ટાગ્રામ પર મોટો ઘટાડો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઇન્સ્ટાગ્રામ પર દોઢ લાખ જેટલા ફોલોઅર્સ ઘટ્યા હોવાનું કહેવાય છે. સૌથી મોટો ઘટાડો ધારાસભ્ય રિવાબા જાડેજાના એકાઉન્ટ પર જોવા મળ્યો છે, જ્યાં પાંચ લાખ જેટલા ફોલોઅર્સ ઓછા થયાની વાત ચર્ચાઈ રહી છે. આ ઉપરાંત મહેસૂલ મંત્રી સંજય મહિડા અને મંત્રી મનિષા વકીલના પણ 15 હજારથી વધુ ફોલોઅર્સ ઘટ્યા છે.
ફેસબુક અને X (ટ્વિટર) પર પણ અસર: ફેસબુક પર કુંવરજી બાવળિયાના 21 હજાર અને ઇશ્વરસિંહ પટેલના 20 હજારથી વધુ ફોલોઅર્સ ઘટ્યા હોવાનું સામે આવ્યું છે. તો X પ્લેટફોર્મ પર કૃષિ મંત્રી જીતુ વાઘાણી, વન-પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયા અને મંત્રી કમલેશ પટેલના ફોલોઅર્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ આંકડા સત્તાવાર રીતે ચકાસાયેલા નથી, પરંતુ સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં સતત ઘટાડો દેખાઈ રહ્યો છે તે નક્કી છે.
જેન-Z નારાજ કેમ? દિલ્હીથી ગાંધીનગર સુધી ચિંતા
એક તરફ દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ એ મંથન કરી રહ્યું છે કે દેશનો યુવા વર્ગ એટલે કે Gen-Z મતદાર કેમ અળગો થઈ રહ્યો છે, તેને કેવી રીતે જોડવો, ત્યારે ગુજરાતમાં આ ડિજિટલ અનફોલો ટ્રેન્ડે ચિંતા વધારી દીધી છે. યુવાનોને હવે ફિલ્ટર વાળી રીલ્સ નથી જોઈતી, તેમને જોઈએ છે રસ્તા, પાણી, નોકરી અને મોંઘવારીના જવાબ.
જનતાનો સીધો સવાલ: વોટ આપ્યા હતા કે સબ્સ્ક્રાઇબ કર્યા હતા?
ગામડે-ગામડે અને શહેરોમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે. ચૂંટણી વખતે ગરીબોના ઘરે જઈ પગે લાગતા નેતાઓ, સત્તા મળતા જ કેમેરામેન અને રીલ મેકરની ફોજ લઈને ફરે છે. સચિવાલયમાં ફાઈલોના નિકાલને બદલે હવે 'વ્યૂઝ કેટલા આવ્યા' અને 'રીચ કેટલી છે' તેની ચર્ચા થાય છે.
લોકો સચિવાલયમાં ધક્કા ખાય છે, મંત્રીને મળવાના દિવસે પણ 'મીટીંગમાં છું' કહીને બહાર રાહ જોવડાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ એ જ મંત્રીનો નવો વીડિયો સ્લો-મોશનમાં એન્ટ્રી લેતો, ટ્રેન્ડિંગ ગીત પર રીલ બનાવતો જોવા મળે છે. આ દોગલી છબીએ લોકોને નારાજ કર્યા છે.
વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ કટાક્ષ કર્યો છે કે, ગુજરાતમાં બેરોજગારી, પેપરલીક, ભરતી કૌભાંડોની અસલી રીલ્સ દરરોજ બની રહી છે, પણ મંત્રીઓ બ્યુટી ફિલ્ટર લગાવીને બધું સારું છે એવું બતાવી રહ્યા છે. જનતાના ટેક્સના પૈસે પીઆર એજન્સીઓને પૈસા આપીને વાહવાહી લૂંટવાનો સમય હવે ગયો.
સબક શું છે?
સોશિયલ મીડિયા એ લોકપ્રિયતા માપવાનું સાધન છે, સત્તા ટકાવવાનું નહીં. જો મંત્રીઓ હજુ પણ ડિજિટલ મોહમાયામાંથી બહાર નહીં આવે અને જમીની હકીકત સ્વીકારશે નહીં, તો આજે જે જનતા ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી રહી છે, તે જ જનતા કાલે EVM પર પણ કાયમ માટે ડિલીટનું બટન દબાવતા અચકાશે નહીં. આ ફોલોઅર્સ ઘટવાની ઘટના એક ચેતવણી છે - રીલ્સ નહીં, રિઝલ્ટ જોઈએ છે.
Sajjadali Nayani ✍
Friday World 31 Aug 2026
#GujaratPolitics #BJPGuajarat #HarshSanghavi #RivabaJadeja #GujaratMinisters #SocialMediaDownfall #UnfollowTrend #GenZVoters #Gandhinagar #Kamalam