- Friday World 31 Aug 2026
દુનિયાના નકશા પર એક નાનકડી દેખાતી ખાડી હાલ આખી દુનિયાના અર્થતંત્રને હચમચાવી રહી છે. વાત છે હોર્મુઝની ખાડીની. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રભુત્વની લડાઈ વધુ તેજ બની છે અને ઈરાને હોર્મુઝમાં નાકાબંધી અને ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. જેની સીધી અસર ભારત જેવા દેશ પર પડી રહી છે, જે પોતાની 80% થી વધુ ઉર્જા જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે.
22 અબજ ડોલરનો વધારાનો બોજો: રિપોર્ટમાં શું છે?
એનર્જી થિંક-ટેન્ક CREA ના એક અહેવાલ મુજબ માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચેના માત્ર 6 મહિનામાં ભારતે ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને LNG ની આયાત માટે અંદાજે 22 અબજ ડોલર એટલે કે લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડ્યો છે.
આ સંકટમાં ચીન પછી ભારત બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો છે. જો બધા ફોસિલ ફ્યુઅલને ગણીએ તો ભારતનો નેટ વધારાનો ખર્ચ 14.4 અબજ ડોલર છે, જે દેશના કુલ GDP ના 0.38% જેટલો છે. એટલે કે દેશની લગભગ દોઢ દિવસની કમાણી માત્ર તેલ મોંઘું થવાને કારણે ખર્ચાઈ ગઈ. માત્ર ક્રૂડ ઓઈલની વાત કરીએ તો આ આંકડો 20.5 અબજ ડોલર સુધી પહોંચે છે.
વૈશ્વિક સ્તરે પણ સ્થિતિ ગંભીર છે. છ મહિનામાં દુનિયાના તમામ દેશોએ મળીને 330 અબજ ડોલરનો વધારાનો ખર્ચ કર્યો છે. જેમાંથી 164.1 અબજ ડોલર માત્ર ક્રૂડ ઓઈલ પર, 73.8 અબજ ડોલર ડીઝલ પર, 35.7 અબજ ડોલર પેટ્રોલ પર અને 38 અબજ ડોલર LNG પર ખર્ચાયા છે.
બ્રેન્ટ ક્રૂડ 93 ડોલરને પાર, LPG પણ મોંઘુ
હોર્મુઝ સંકટ પહેલા જે બ્રેન્ટ ક્રૂડના ભાવનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તેના કરતા હાલ ભાવ 35% વધુ છે. માર્ચથી ઓગસ્ટ 2026 વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ 93 ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.
તેની સીધી અસર રસોડા પર પણ પડી છે. ભારતે આ સમયગાળામાં LPG ની આયાત માટે 29% વધુ કિંમત ચૂકવી છે, જ્યારે આયાતનું પ્રમાણ 26% ઘટ્યું છે. કુલ LPG બિલ 4.7 અબજ ડોલર રહ્યું જેમાંથી 1.1 અબજ ડોલર માત્ર ભાવ વધારાને કારણે ચૂકવવા પડ્યા છે.
ભારત પર કેમ વધુ અસર?
હોર્મુઝની ખાડી દુનિયાનો સૌથી મહત્વનો તેલ માર્ગ છે. દુનિયાનું લગભગ 20% તેલ અને 25% LNG અહીંથી જ પસાર થાય છે. ભારત તેના મધ્ય પૂર્વના દેશોમાંથી આવતા તેલ માટે 60% થી વધુ આધાર આ ખાડી પર રાખે છે. જ્યારે જહાજોને ફરીને જવું પડે, વીમા ખર્ચ વધે અને ટોલ લાગે તો તેનો સીધો ભારતના આયાત બિલ પર પડે છે.
આગળ શું થશે? શું ભાવ વધશે?
હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવને સ્થિર રાખવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ જો આ સંકટ લાંબુ ચાલશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધશે. નિષ્ણાતોનું માનવું છે કે જો બ્રેન્ટ 90 ડોલરથી ઉપર રહેશે તો આવનારા અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલમાં 2 થી 5 રૂપિયા અને ઘરેલુ LPG સિલિન્ડરમાં 50 થી 100 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
ટૂંકમાં, હોર્મુઝની લડાઈ અમેરિકા-ઇઝરાયેલ અને તેહરાન વચ્ચે છે, પણ તેની આંચ ગુજરાતના પેટ્રોલ પંપથી લઈને દરેક ઘરના રસોડા સુધી આવવાની તૈયારીમાં છે. હાલની સ્થિતિ પર નજર રાખવી ખૂબ જરૂરી છે.
Sajjadali Nayani ✍
Friday World 31 Aug 2026
#PetrolDieselPrice #LPGPriceHike #HormuzCrisis #CrudeOilPrice #BrentCrude #IndiaOilImport #USIranTension #FuelPriceNews #EnergyCrisis #OilAndGas