Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Saturday, 29 August 2026

જ્યારે પરીક્ષા યુદ્ધ બની જાય: ડૉ. મુરલી મનોહર જોશીનો સવાલ - 'રસ્તા બનાવવાથી જ દેશ વિકસિત નથી થતો'

જ્યારે પરીક્ષા યુદ્ધ બની જાય: ડૉ. મુરલી મનોહર જોશીનો સવાલ - 'રસ્તા બનાવવાથી જ દેશ વિકસિત નથી થતો'
-Friday World 29 Aug 2026
              પ્રતીકાત્મક તસવીર.

નવી દિલ્હી - ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. મુરલી મનોહર જોશીએ તાજેતરમાં એક ખાનગી ઇન્ટરવ્યુમાં કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ અને બજેટની પ્રાથમિકતાઓ પર જે આકરા સવાલો ઉઠાવ્યા છે, તેણે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. 2014 પછી માર્ગદર્શક મંડળમાં રહેલા આ વરિષ્ઠ નેતાએ પેપર લીક, શિક્ષણનું વ્યાપારીકરણ અને બેરોજગારીના મુદ્દે સીધો પ્રહાર કર્યો છે.

'દરેક ક્ષેત્રમાં પૈસાની બોલબાલા' - પેપર લીક માત્ર પરીક્ષાનો પ્રશ્ન નથી

ડૉ. જોશીએ પેપર લીકની ઘટનાઓને માત્ર ટેકનિકલ નિષ્ફળતા ગણાવવાનો ઇનકાર કર્યો છે. તેમના મતે આ સમગ્ર સમાજ અને શાસન વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું પ્રતિબિંબ છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે એક વિદ્યાર્થી જુએ છે કે શિક્ષકની નોકરી મેળવવા માટે લાંચ આપવી પડે છે, દરેક કામમાં પૈસો ચાલે છે, ત્યારે તે વિદ્યાર્થી પણ ખોટા રસ્તે જતા અચકાતો નથી. તેમણે વાજપેયી સરકારના કાર્યકાળને યાદ કરતા સવાલ કર્યો હતો કે, "વાજપેયીજીના સમયમાં વારંવાર પેપર લીક કેમ નહોતા થતા?" તેમના મતે ત્યારે શિક્ષણ પ્રણાલીનો એક સ્પષ્ટ દિશા અને મૂલ્યોનો પાયો હતો જે આજે નબળો પડ્યો છે. 

તાજેતરમાં દિલ્હીમાં NEET સહિતની પરીક્ષાઓને લઈને થયેલા વિદ્યાર્થી આંદોલનો પર પણ તેમણે સરકારના વલણની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની ચિંતા સાચી છે અને તેને સહાનુભૂતિથી સાંભળવી જોઈએ, બળપ્રયોગથી નહીં.

'આ પરીક્ષા છે કે યુદ્ધ?' - સુરક્ષા વ્યવસ્થા પર કટાક્ષ

પેપર લીક રોકવા માટે સરકાર દ્વારા વિમાનો, સેના અને મોટી સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવાની વાત પર ડૉ. જોશીએ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, "એવું લાગે છે કે આ પરીક્ષા નથી, યુદ્ધ છેડાઈ ગયું હોય!"

તેમનો ઈશારો એ તરફ હતો કે આપણે મૂળ સમસ્યા સુધારવાને બદલે ઉપરછલ્લા સુરક્ષા ઉપાયો પર ધ્યાન આપી રહ્યા છીએ.

બજેટની પ્રાથમિકતા: રસ્તા મહત્વના કે શાળા?

ડૉ. જોશીનો સૌથી ગંભીર આક્ષેપ બજેટની પ્રાથમિકતાઓને લઈને છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય પરથી હટી રહ્યું છે. આ બંને ક્ષેત્રોનું બજેટ સતત ઘટી રહ્યું છે જ્યારે રસ્તા અને માર્ગ પરિવહન પાછળ ખર્ચ વધી રહ્યો છે.

તેમણે દલીલ કરી કે, "રસ્તા બનાવવા એ જ વિકાસ નથી. રસ્તા બનાવવા માટે પણ એન્જિનિયર અને મશીનો જોઈએ, જેના માટે મજબૂત શિક્ષણ વ્યવસ્થા જોઈએ. તમે શાળા બનાવી દીધી પણ ત્યાં શિક્ષક જ નથી, તો વિદ્યાર્થી શું કરશે? તમે કોલેજો ખોલવાનો દાવો કરો છો, પણ નોકરીઓ ક્યાં છે?" 

ડિગ્રી હાથમાં, સાવરણો હાથમાં: શિક્ષણનું વ્યાપારીકરણ

વરિષ્ઠ નેતાએ શિક્ષણના વ્યાપારીકરણ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે શિક્ષણ અને તબીબી સેવાઓ માત્ર નફો કમાવવાનું સાધન ન હોવી જોઈએ.

તેમણે દિલ્હીનું ઉદાહરણ આપતા કહ્યું કે આજે M.A., Ph.D. અને http://B.Ed. જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા યુવાનો સફાઈ કામદાર તરીકે અથવા કરાર આધારિત નોકરી કરવા મજબૂર છે. આ સ્થિતિ શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતા દર્શાવે છે. તેમના મતે શિક્ષણ આર્થિક રીતે ઉત્પાદક હોવું જોઈએ, તે રોજગારી સાથે જોડાયેલું હોવું જોઈએ. પ્રાઇવેટ સેક્ટર શિક્ષણમાં આવે તેનો વાંધો નથી, પરંતુ તેઓ પોતાની કમાણીનો એક હિસ્સો ફરી શિક્ષણના વિકાસમાં લગાવે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

NEP 2020 અને નેબરહૂડ સ્કૂલનો વિચાર

નવી શિક્ષણ નીતિ (NEP 2020) અંગે વાત કરતા ડૉ. જોશીએ પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે વાજપેયી સરકાર વખતે પણ નવી શિક્ષણ નીતિ લાવવાનું સૂચન થયું હતું, પરંતુ તેમણે જૂની નીતિનો ઊંડો અભ્યાસ કર્યો. તેમને સમજાયું કે નીતિ માત્ર એટલા માટે ન બદલવી જોઈએ કે તે રાજીવ ગાંધી સરકારના સમયમાં બની હતી.

તેમણે NEP 2020 બનાવવામાં નીતિ આયોગની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા. તેમણે યાદ અપાવ્યું કે તેમના સમયમાં યોજના આયોગ માત્ર રોજગારની જરૂરિયાતોનું આકલન કરતું હતું, તે શિક્ષણના અભ્યાસક્રમ કે નીતિમાં સીધો હસ્તક્ષેપ કરતું ન હતું.

તેમણે પડોશની શાળા એટલે કે 'નેબરહૂડ સ્કૂલ સિસ્ટમ'ની હિમાયત કરી. તેમના મતે અમીર હોય કે ગરીબ, દરેક બાળકને શરૂઆતના ધોરણોમાં પોતાના ઘરની નજીક જ સમાન, મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. આનાથી સામાજિક સમાનતા આવશે.

એકંદરે ડૉ. જોશીનો સંદેશ સ્પષ્ટ છે: 'વિકસિત ભારત'નો અર્થ શું છે તે ફરીથી વિચારવું પડશે. જો પાયાનું શિક્ષણ નબળું હશે, તો ગમે તેટલા હાઇવે બનાવીએ, દેશ સાચા અર્થમાં વિકસિત નહીં થાય.

 Sajjadali Nayani ✍ 
Friday World 29 Aug 2026

#MurliManoharJoshi #BJPVeteran #EducationPolicy #PaperLeak #NEP2020 #ViksitBharat #IndianEducation #BudgetCut #EducationReform #YouthUnemployment