- Friday World September 16,2026
સુરેન્દ્રનગર - કહેવાય છે કે તરણેતરના મેળામાં કંઈક અલગ જ થાય છે. ભાતીગળ ભરત, લોકનૃત્ય, ઘોડાની દોડ અને હવે તો ગ્રામીણ ઓલિમ્પિક્સ! પણ આ વખતે જે સ્પર્ધાએ સૌનું ધ્યાન ખેંચ્યું તે હતી 'લાડુ ખાવાની સ્પર્ધા'. અને આ સ્પર્ધામાં બાજી મારી ગયા છે વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી.
થાનગઢના પ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી અને તરણેતર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેઠળ જ લાડુ સ્પર્ધાનું આયોજન થયું હતું, જે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે.
28 સ્પર્ધકો, 30 મિનિટ અને બેસનના લાડુનો પહાડ
આ સ્પર્ધામાં 25 થી 75 વર્ષની વયના કુલ 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિયમ એકદમ સાદો હતો - 30 મિનિટમાં દાળ સાથે ખાંડવાળા બેસનના લાડુ જેટલા વધુ ખાઈ શકો એટલા ખાવાના.
સ્પર્ધા શરૂ થઈ અને જાણે યુદ્ધ શરૂ થયું હોય એમ બધા સ્પર્ધકો લાડુ પર તૂટી પડ્યા. પહેલી 15 મિનિટમાં જ ઘણા સ્પર્ધકો 12 થી 15 લાડુ ખાઈને હાંફી ગયા અને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા. દાળ વગર સૂકા લાડુ ગળે ઉતારવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.
પણ અસલી રોમાંચ તો છેલ્લી 10 મિનિટમાં આવ્યો. પાંચ સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર ચાલી. જ્યારે કાઉન્ટ 22, 24, 26 પર પહોંચ્યું ત્યારે આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. દર્શકો સતત "ખા... ખા..." ના નારા લગાવીને ઉત્સાહ વધારી રહ્યા હતા.
અને વિજેતા બન્યા બળવંતભાઈ!
છેલ્લી મિનિટે બધાના શ્વાસ અધ્ધર હતા. અને બરાબર 30 મિનિટ પૂરી થતા સુધીમાં વિંછીયાના બળવંતભાઈ રાઘવાણીએ 28 લાડુ પૂરા કરીને ઇતિહાસ રચી દીધો. નવાઈની વાત એ છે કે ગત વર્ષે પણ આ સ્પર્ધા બળવંતભાઈ જ જીત્યા હતા. એટલે આ વખતે તેઓએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
સ્પર્ધાના નિયમ મુજબ માત્ર એક જ વિજેતા જાહેર કરવાનો હોવાથી બળવંતભાઈને રૂ. 2000 નો રોકડ પુરસ્કાર અને સન્માન આપવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી, મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પ્રાંત અધિકારી કે.એન. કાચા અને જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર સાહેબે કહ્યું હતું કે, "આવો લોક ઉત્સાહ જ આપણા મેળાની સાચી ઓળખ છે. તરણેતરનો મેળો માત્ર મેળો નથી, એ આપણી સંસ્કૃતિ, ભાઈચારા અને આનંદનો ઉત્સવ છે."
તરણેતરનો મેળો દર વર્ષે કંઈક નવું લઈને આવે છે, પણ આ વખતની લાડુ સ્પર્ધા લાંબા સમય સુધી લોકોના મોઢે રહેશે. એક તરફ પરંપરાગત લોકસંસ્કૃતિ અને બીજી તરફ આવી મનોરંજક ગ્રામીણ રમતો, બંનેનો સંગમ એટલે જ તરણેતરનો મેળો.
Sajjadali Nayani ✍
Friday World September 16,2026
#TarnetarMela2026 #TarnetarFair #LadduEatingCompetition #GujaratCulture #Surendranagar #RuralOlympics #GujaratiFestival #Thangadh #FoodCompetition #GujaratTourism