Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 14 September 2026

"અમે હિન્દુ નથી" - જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે દલિત પ્રવેશ રોકવા સુપ્રીમ કોર્ટ સુધી દલીલ કરી હતી

"અમે હિન્દુ નથી" - જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે દલિત પ્રવેશ રોકવા સુપ્રીમ કોર્ટ સુધી દલીલ કરી હતી
- Friday World September 14,2026 
પેરિસના એફિલ ટાવર પાસે તાજેતરમાં BAPS સાથે જોડાયેલી ઘટના બાદ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વૈશ્વિક ચર્ચામાં આવ્યો છે. આરોપ મહિલાઓ સાથેના ભેદભાવનો હતો. પરંતુ આ કોઈ નવી ચર્ચા નથી. સંપ્રદાયના ઈતિહાસમાં મહિલાઓ અને દલિતો સાથેના વ્યવહારને લઈને વર્ષોથી સવાલો ઉઠતા રહ્યા છે.

પત્રકાર સલિલ ત્રિપાઠીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે "સ્વામિનારાયણ સંપ્રદાયની સીમાઓ એ ગુજરાતની સીમાઓ છે, અને મહિલાઓ પર લાદવામાં આવેલા કડક નિયંત્રણો એ સીમાઓ જાળવવાનો એક રસ્તો છે."

પરંતુ સૌથી મોટો અને ઐતિહાસિક કિસ્સો એ છે જ્યારે સંપ્રદાયે પોતે કોર્ટમાં એવું કહ્યું હતું કે અમે હિન્દુ નથી.

1947: કાયદો અને પડકાર

નવેમ્બર 1947માં ભારત આઝાદ થયા પછી તરત જ બોમ્બે હરિજન ટેમ્પલ એન્ટ્રી એક્ટ-1947 લાગુ થયો. આ કાયદાથી તમામ હિન્દુ મંદિરોમાં દલિતોને પ્રવેશ અને પૂજાનો અધિકાર મળ્યો.

એ જ વર્ષના અંતમાં મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ ભુદરદાસ વૈશ્યે જાહેરાત કરી કે તેઓ અમદાવાદના કાલુપુર સ્થિત નર-નારાયણદેવ મંદિરમાં પ્રવેશ કરશે.

આ જાહેરાત પછી અમદાવાદ ગાદીના ટ્રસ્ટીઓ વતી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ (આ શાસ્ત્રીજી મહારાજ, BAPSના સ્થાપકથી અલગ સાધુ છે) એ અમદાવાદ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેમની દલીલ હતી કે સ્વામિનારાયણ મંદિરો 'હિન્દુ મંદિર'ની વ્યાખ્યામાં આવતા નથી, તેથી અહીં બિન-સત્સંગી એટલે કે હરિજનો પ્રવેશી શકે નહીં.

સિવિલ કોર્ટથી હાઈકોર્ટ સુધી

સપ્ટેમ્બર 1951માં અમદાવાદ સિવિલ કોર્ટે સંપ્રદાયની તરફેણમાં ચુકાદો આપ્યો અને દલિતોને પ્રવેશ રોકવામાં આવ્યો. જોકે કોર્ટે એ વાત માની નહોતી કે સ્વામિનારાયણ હિન્દુ ધર્મથી અલગ છે.

ત્યારબાદ મૂળદાસ વૈશ્ય અને બોમ્બે રાજ્ય હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં પણ સંપ્રદાયે ચાર મુખ્ય દલીલો કરી:

1. સ્વામિનારાયણ પોતે સર્વોચ્ચ પરમેશ્વર છે, તેથી તેમના અનુયાયી હિન્દુ ન કહેવાય.
2. તેમના મંદિરો પરંપરાગત હિન્દુ દેવો માટે નહીં, પણ સ્વયં સ્વામિનારાયણની પૂજા માટે છે.
3. સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ દેવની પૂજા કરવી એ દ્રોહ સમાન છે.
4. આચાર્ય દ્વારા દીક્ષા લીધા પછી ભક્ત 'સત્સંગી' બને છે, જે એક અલગ ઓળખ છે.

આ દરમિયાન 1956માં નવો કાયદો - બોમ્બે હિન્દુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ એક્ટ આવી ગયો હતો.

1958માં બોમ્બે હાઈકોર્ટે સંપ્રદાયની તમામ દલીલો ફગાવી દીધી અને કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો જ ભાગ છે.

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો - હિન્દુ એટલે શું?

મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 14 જાન્યુઆરી, 1966ના રોજ મુખ્ય ન્યાયાધીશ પી.બી. ગજેન્દ્રગડકરની અધ્યક્ષતામાં 5 જજોની બેન્ચે અંતિમ ચુકાદો આપ્યો. આ ચુકાદો ભારતીય ન્યાય ઇતિહાસમાં હિન્દુ ધર્મની વ્યાખ્યા માટે આજે પણ ટાંકવામાં આવે છે.

કોર્ટે કહ્યું: "વિશ્વના અન્ય ધર્મોથી વિપરીત, હિન્દુ ધર્મ કોઈ એક ભગવાનનો દાવો કરતો નથી, કોઈ એક સિદ્ધાંતને વરેલો નથી, કોઈ એક પૂજા પદ્ધતિનું અનુસરણ કરતો નથી. તેને માત્ર 'A Way of Life' - જીવન જીવવાની શૈલી કહી શકાય."

કોર્ટે એન્સાયક્લોપીડિયા ઓફ રિલિજન, મોનેર વિલિયમ્સ અને ડૉ. રાધાકૃષ્ણનના પુસ્તકોને ટાંકીને કહ્યું કે હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજા ન માનનારા પણ હિન્દુ છે, અનેક દેવી-દેવતા તેની વિશાળતાનું પ્રમાણ છે.

છેવટે કોર્ટે સ્પષ્ટ લખ્યું: "સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમુદાયથી અલગ છે એ વાત સંપૂર્ણપણે ખોટી છે. સ્વામિનારાયણ એક હિન્દુ સંત હતા જે વલ્લભાચાર્યના સમયની ભ્રષ્ટ પ્રથાઓ દૂર કરી હિન્દુ ધર્મને તેની મૂળ પવિત્રતામાં લાવવા માંગતા હતા."

કોર્ટે અરજી ફગાવી અને કહ્યું: "હરિજનોને મંદિર પ્રવેશનો અધિકાર એ તેમની તમામ સામાજિક સુવિધાઓનું પ્રતીક છે. સામાજિક ન્યાય એ જ લોકશાહીનો આધાર છે."

60 વર્ષ પછી પણ એ જ સવાલો?

1966ના ચુકાદાને 60 વર્ષ થયા, છતાં વિવાદો અટક્યા નથી.

1980ના દાયકામાં ઈતિહાસકાર મકરંદ મહેતાએ સંપ્રદાયના દાવાઓ - કે તેમણે દલિતોનો ઉદ્ધાર કર્યો છે - ને ખોટા સાબિત કરતા લેખ લખ્યા, ત્યારે સંપ્રદાયે તેમની સામે IPC 295-A હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે સંપ્રદાયે દલીલ કરી હતી કે "સ્વામી સહજાનંદના આશ્રયથી હરિજનો ચોખ્ખાઈ રાખતા શીખ્યા અને તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો થયો."

2021માં ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ ન્યૂ જર્સીના BAPS મંદિરમાં દલિત કારીગરો પાસે બળજબરીથી ઓછા પગારે મજૂરી કરાવવાના આરોપો લાગ્યા, જોકે BAPSએ આરોપો નકાર્યા અને ક્રિમિનલ તપાસ પૂર્ણ થઈ છે. ફ્રાન્સ 24ના અહેવાલમાં પણ એક પૂર્વ કારીગરે પાસપોર્ટ જપ્ત કરીને કામ કરાવ્યાની વાત કહી હતી.

BAPS સંસ્થા હંમેશા કહેતી આવી છે કે તે જાતિ-આધારિત ભેદભાવના સખત વિરોધમાં છે.

આ 20 વર્ષ ચાલેલો કેસ માત્ર મંદિર પ્રવેશનો નહોતો, તે ભારતના બંધારણમાં લખાયેલા સામાજિક ન્યાય અને ધર્મની વ્યાખ્યાનો કેસ હતો. પેરિસની તાજી ઘટના ફરી એ જ જૂના પ્રશ્નોને તાજા કરે છે.

Sajjadali Nayani ✍
 Friday World September 14,2026 

#SwaminarayanSampraday #BAPS #HinduTempleEntryAct #SupremeCourtJudgement #DalitRights #HinduismWayOfLife #GujaratHistory #TempleEntryMovement #SocialJustice #BAPSControversy