Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 11 October 2026

મફતનો મોહ છૂટતો નથી! 2 કરોડના આલીશાન ફ્લેટ મળ્યા છતાં 4 મંત્રી સહિત 40 ધારાસભ્યો જૂના ક્વાર્ટર્સ પર કબજો જમાવીને બેઠા

મફતનો મોહ છૂટતો નથી! 2 કરોડના આલીશાન ફ્લેટ મળ્યા છતાં 4 મંત્રી સહિત 40 ધારાસભ્યો જૂના ક્વાર્ટર્સ પર કબજો જમાવીને બેઠા
-Friday World Oct 12,2026
ગાંધીનગરમાં જનતાના પરસેવાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યો માટે સ્વર્ગ જેવા લક્ઝુરિયસ ફ્લેટ બનાવી દેવાયા છે. 220 કરોડના ખર્ચે સેક્ટર-17 માં 216 જેટલા ફ્લેટ તૈયાર છે. દરેક ફ્લેટ 2500 સ્ક્વેર ફૂટથી મોટો, બે માસ્ટર બેડરૂમ, ડ્રોઈંગ-ડાઈનીંગ, વેઈટીંગ રૂમ, ઓફિસ, એસી, ટીવી સહિતની ફાઈવ સ્ટાર સુવિધાઓથી સજ્જ છે. બજાર કિંમત ગણો તો એક ફ્લેટની કિંમત અઢી કરોડથી ઓછી નથી.

ગત દિવાળીથી બધા જ ધારાસભ્યોને આ ફ્લેટ ફાળવી પણ દેવાયા છે. આ વાતને આજે એક વર્ષ થવા આવ્યું છે, છતાં પ્રજાના કહેવાતા સેવકોનો મફતનો મોહ છૂટતો નથી. વિધાનસભાના ઉપાધ્યક્ષથી લઈને 4 મંત્રી સહિત 40થી વધુ ધારાસભ્યોએ હજી સુધી જૂના એમ.એલ.એ. ક્વાર્ટર્સ ખાલી કર્યા નથી.

શાસક-વિપક્ષ ભાઈ-ભાઈ

આ કિસ્સામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી - બધા એક સમાન છે. મફત ભાડું અને સરકારી સુવિધા ભોગવવાની વાત આવે ત્યારે શાસક અને વિપક્ષ 'ભાઈ-ભાઈ' બની જાય છે.

ક્વાર્ટર્સ ખાલી ન કરનારાઓમાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, વનમંત્રી પ્રવીણ માળી, શ્રમ-રોજગાર મંત્રી કાંતિ અમૃતિયા અને મંત્રી સ્વરૂપજી ઠાકોર જેવા નામો છે. આ સિવાય ભાજપના સી.જે.ચાવડા, હીરા સોલંકી, સી.કે.રાઉલજી, પભુભા માણેક સહિત અનેક ધારાસભ્યો જૂના આવાસ પર કબજો જમાવીને બેઠા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, શૈલેષ પરમાર અને આપના ચૈતર વસાવા, હેમંત ખવા પણ આ યાદીમાં છે.

રોજનું સવા રૂપિયું ભાડું!

આ જૂના ક્વાર્ટર્સનું ભાડું સાંભળીને તમે ચોંકી જશો - દાયકાઓ જૂના નિયમ મુજબ ભાડું માત્ર રોજનું સવા રૂપિયો એટલે કે મહિને 37.50 રૂપિયા જ છે. આટલી સસ્તી સુવિધા ગાંધીનગરમાં બીજે ક્યાંય ન મળે. એટલે જ આ મફતખોરીનો લાભ લેવાય છે.

ક્વાર્ટર્સ બન્યા હોસ્ટેલ-ગેસ્ટ હાઉસ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ધારાસભ્યોએ સરકારી આવાસને જાણે વારસાની મિલકત સમજી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઘણા ધારાસભ્યોએ આ ક્વાર્ટર્સ પોતાના સગા-સંબંધીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને પોતાના સુરક્ષા કર્મીઓને બારોબાર રહેવા આપી દીધા છે. સરકારી આવાસ આજે ખાનગી ગેસ્ટ હાઉસ અને હોસ્ટેલમાં ફેરવાઈ ગયા છે. ચર્ચા તો એવી પણ છે કે કેટલાક ધારાસભ્યો બારોબાર આ ક્વાર્ટર્સનું ભાડું પણ ઉઘરાવે છે.

એક તરફ સેંકડો સરકારી કર્મચારીઓ સરકારી આવાસ માટે વર્ષોથી વેઇટિંગ લિસ્ટમાં છે. જો આ 40 ક્વાર્ટર્સ ખાલી થાય તો તેમને મોટી રાહત મળે. તંત્રએ નોટિસો પણ આપી છે, પણ રાજકીય દબાણ હેઠળ વહીવટી તંત્ર કાર્યવાહી કરી શકતું નથી. એટલે જ ધારાસભ્યો એક હાથે 2 કરોડના લક્ઝુરિયસ ફ્લેટ અને બીજા હાથે સવા રૂપિયાવાળા જૂના ક્વાર્ટર્સ - બંને સુવિધા એકસાથે ભોગવી રહ્યા છે.

જનતા સવાલ પૂછી રહી છે કે જ્યારે કરોડોના ફ્લેટ આપી દીધા છે તો પછી આ મફતનો મોહ કેમ?

Sajjadali Nayani ✍ 
Friday World Oct 12,2026

#Gandhinagar #GujaratMLAs #LuxuryFlats #MLAQuarters #GujaratPolitics #TaxpayersMoney #RivabaJadeja #GujaratNews #FreebieCulture #GujaratAssembly