Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 25 October 2026

સૌરાષ્ટ્રમાં દુષ્કાળનો કાળો પડછાયો: ખેડૂતોએ ભીની આંખે 6000 બળદોને આશ્રમે મૂક્યા, રાજકોટમાં કરુણ દ્રશ્યો!

સૌરાષ્ટ્રમાં દુષ્કાળનો કાળો પડછાયો: ખેડૂતોએ ભીની આંખે 6000 બળદોને આશ્રમે મૂક્યા, રાજકોટમાં કરુણ દ્રશ્યો!
-Friday World Oct 26,2026 
સૌરાષ્ટ્રમાં સરકારી ચોપડે ભલે હજુ દુષ્કાળ જાહેર ન થયો હોય, પણ ધરતી પર દુષ્કાળના દારુણ અને હૃદય કંપાવી દે તેવા દ્રશ્યો દેખાવા લાગ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ પાસે આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં ખેડૂતો ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે પોતાના દીકરા સમાન 6000 જેટલા બળદોને મૂકી ગયા છે.

જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ચોમાસું નિષ્ફળ જતા ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રવિ સીઝનની કોઈ આશા નથી, અને ઘાસચારા તથા પાણીનું અતિ ગંભીર સંકટ સર્જાયું છે.

20 દિવસમાં 6000 બળદો, 200 વાહનોની લાઈન

સદ્ભાવના બળદ આશ્રમની શરૂઆત 5 વર્ષ પહેલા માત્ર 100 બળદોથી કરવામાં આવી હતી, જેથી કોઈ નિરાધાર બળદ રસ્તા પર રખડે નહીં કે કતલખાને ન જાય. સામાન્ય રીતે અહીં 1500 થી 2000 બળદો જ રહેતા હતા.

પરંતુ આ વખતે પરિસ્થિતિ વિકટ છે. છેલ્લા 20 દિવસમાં જ 6000 બળદો આવી ગયા છે. રોજ સવારથી જ આશ્રમ બહાર બળદ ભરેલા 200 વાહનોની લાંબી લાઈનો લાગે છે. એક ખેડૂત પોતાની 1 લાખ રૂપિયાની કિંમતની બળદની જોડીને છેલ્લી વાર વહાલ કરતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો, આવા દ્રશ્યો રોજના થઈ ગયા છે.

દિવસનો 12 લાખનો ખર્ચ, ઘાસના ભાવ ડબલ

એક બળદને રોજના 25 કિલો લીલા ઘાસની જરૂર પડે છે. જે લીલા ઘાસનો ભાવ પહેલા મણ (20 કિલો) નો રૂ. 60 હતો, તે હવે વધીને રૂ. 120-130 થઈ ગયો છે.

આશ્રમમાં 125 કર્મચારીઓ દિવસ-રાત સેવા આપી રહ્યા છે અને માત્ર ઘાસચારા પાછળ રોજનો ખર્ચ આશરે રૂ. 12,00,000 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત પાણી માટે પણ સંકટ છે, 8000 બળદો માટે ભૂગર્ભ જળ પૂરતું ન હોવાથી રોજ 8 થી 10 ટેન્કરોથી અવેડા ભરવા પડી રહ્યા છે.

આશ્રમના સંચાલકો રોકડ દાનને બદલે સીધો ઘાસચારો આપવાની અપીલ કરી રહ્યા છે.

120 વીઘામાં નવો આશ્રમ, 1 લાખ બળદો આવશે?

સદ્ભાવના બળદ આશ્રમના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે હાલની 30 એકર જમીન સંપૂર્ણ ભરાઈ ગઈ છે, તેથી નવા બળદો લેવાનું થોડા દિવસ માટે બંધ રાખ્યું છે. પરંતુ ટૂંક સમયમાં જ બીજી 120 વીઘા જમીનમાં નવો આશ્રમ શરૂ કરવામાં આવશે.

તેમના અંદાજ મુજબ જો વરસાદ નહીં થાય તો ઉનાળા સુધીમાં 75,000 થી 1,00,000 બળદો આશ્રમમાં આવી શકે છે. તેમણે સંકલ્પ લીધો છે કે એક પણ બળદને રસ્તા પર રખડવા કે કતલખાને જવા દેવામાં નહીં આવે.

બળદ એટલે સૌરાષ્ટ્રની ખેતીનો આત્મા

સૌરાષ્ટ્રમાં આજે પણ હજારો ખેડૂતો બળદથી જ ખેતી કરે છે. આ ખેતી 100% ઈકો-ફ્રેન્ડલી છે, તેમાં ડીઝલ નથી બળતું. બળદના છાણથી બનતું ઓર્ગેનિક ખાતર રાસાયણિક ખાતર અને દવાનો ખર્ચ બચાવે છે. જો બળદ નહીં રહે તો ઓર્ગેનિક ખેતીનો પાયો જ હલી જશે.

Sajjadali Nayani ✍ 
Friday World Oct 26,2026 

#SaurashtraDrought #RajkotBaldAshram #GujaratDrought #SaveBulls #FarmersCrisis #SadbhavanaAshram #FodderCrisis #EcoFriendlyFarming #GirBulls #SupportFarmers
#Fridayworld