ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરના કારણે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 100% વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ કચ્છમાં 156% ટકા વરસાદ ખાબક્યો.
રાજ્ય માં સાર્વત્રિક વરસાદને પરિણામે આ વખતે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 100% નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 156% ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 82% ટકા જેટલો નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 107% ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31% ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હાલમાં 57 જળાશયો 100% ભરાયા છે. જેમાં 72 જળાશયો 70%થી 100% જેટલા ભરાયા છે. તો 29 જળાશયો 50થી 70% ભરાયા છે. 22 જળાશયો 25થી 50% ભરાયા છે જ્યારે
28 જળાશયો 24%થી પણ ઓછાં ભરાયા છે.
આજ રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 203 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ જ્યારે મોરબી તાલુકામાં 134 મીમી, બેચરાજીમાં 124 મીમી અને રાધનપુર તાલુકામાં 121 મીમી મળીને કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
એ સિવાય વિસનગર તાલુકામાં 114 મીમી, ઇડર તાલુકામાં 120 મીમી અને પાટણ તાલુકામાં 98 મીમી મળીને કુલ 3 તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે વિજાપુર તાલુકામાં 82 મીમી, સરસ્વતીમાં 90 મીમી, અમીરગઢમાં 89 મીમી, પોશીનામાં 89 મીમી, માણસામાં 89 મીમી, જોટાણામાં 84 મીમી અને હિમતનગરમાં 74 મીમી મળીને કુલ 9 તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળીને કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 49 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.